ડીસામાં ક્રૂરતાપૂર્વક 13 પશુઓની હેરાફેરી ઝડપાઈ, રાધનપુરના શખ્સ સામે ગુનો

ભોપાનગર ચાર રસ્તા પાસેથી પોલીસે 13 ભેંસ, પાડા અને પાડીનો કબજો લઈ પશુઓને મુક્ત કરાવ્યા
કેપિટલ મેસેજ
Capital message
ડીસા: ડીસા શહેર દક્ષિણ પોલીસે પશુ ક્રૂરતા વિરોધી ઝુંબેશ અંતર્ગત કાર્યવાહી કરી પશુઓને ક્રૂરતાપૂર્વક અને ગેરકાયદેસર રીતે હેરાફેરી કરી રહેલા એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે 13 પશુઓને કબજામાં લઈ તેમની મુક્તિ કરાવી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ડીસા શહેર દક્ષિણ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ભોપાનગર ચાર રસ્તા પાસેથી પશુઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ ગેરકાયદેસર અને ક્રૂરતાપૂર્વક લઈ જવામાં આવી રહ્યા હોવાની હકીકત સામે આવી હતી. પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ કરતા 13 ભેંસ, પાડા અને પાડી મળી આવ્યા હતા. પશુઓને ક્રૂરતાપૂર્વક લઈ જવાતા હોવાનું જણાતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી તમામ પશુઓનો કબજો મેળવી તેમને મુક્ત કરાવ્યા હતા.
આ મામલે પોલીસે રાધનપુરના રવિ ધામ સોસાયટીમાં રહેતા આલમશાહ હૈદરશાહ ફકીર સામે ગુનો નોંધ્યો છે. સમગ્ર મામલે ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનમાં ભાગ-બી ગુના નં. 924/2026 હેઠળ BNS કલમ 54 તથા પશુ ક્રૂરતા અધિનિયમની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસના જણાવ્યા મુજબ પશુઓની હેરાફેરી દરમિયાન પશુઓ સાથે ક્રૂરતા ન થાય અને ગેરકાયદેસર પરિવહન અટકાવવામાં આવે તે માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઝડપાયેલા 13 પશુઓને સુરક્ષિત રીતે મુક્ત કરાવી તેમના યોગ્ય સંભાળ માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે.
આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી. કોટવાલના માર્ગદર્શન હેઠળ ASI કિરીટસિંહ ભુપતસિંહ, પોલીસ કોન્સ્ટેબલ નરેશભાઈ દેવજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ રાધેશ્યામભાઈ ધીરજલાલ સહિતની ટીમે હાથ ધરી હતી. પશુઓની ગેરકાયદેસર અને ક્રૂરતાપૂર્વકની હેરાફેરી સામે પોલીસે કડક કાર્યવાહી કરી એક શખ્સ સામે ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
રિપોર્ટ :અનિલ રામાનુજ પાટણ
