રાધનપુરના રવિધામ વિસ્તારમાં યુવકનો ગળે ફાંસો ખાઈ આત્મહત્યા, પરિવારમાં શોકની લાગણી
નિવાસસ્થાને મૃતદેહ મળી આવ્યો; આત્મહત્યાનું કારણ અકબંધ :કલમ-અકસ્માતે મોતનો ગુનો નોંધી પોલીસે વધુ તપાસ શરૂ કરી
કેપિટલ મેસેજ
Capital message
પાટણ જિલ્લાના રાધનપુર શહેરના રવિધામ વિસ્તારમાં એક કરૂણ ઘટના સામે આવી છે. વિસ્તારમાં રહેતા રમેશ ગોવિંદ મકવાણા નામના યુવકનું પોતાના નિવાસસ્થાને શંકાસ્પદ સંજોગોમાં મોત થતાં પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં સ્થળ પર દોડી આવ્યા હતા.
પ્રાથમિક માહિતી મુજબ રમેશ ગોવિંદ મકવાણાનો પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે અને મૃતદેહ તેમના નિવાસસ્થાને મળી આવ્યો હતો. પરિવારજનોને ઘટનાની જાણ થતાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ યુવકને બચાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ તેમનું મૃત્યુ થયું હતું.
ઘટનાની જાણ થતાં રાધનપુર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે સ્થળનું નિરીક્ષણ કરી પંચોની હાજરીમાં પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.
આ મામલે રાધનપુર પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ-194 હેઠળ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં મોતનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી.
પોલીસ દ્વારા ઘટનાના તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ હાથ ધરવામાં આવી છે. પરિવારજનો તથા સંબંધિત વ્યક્તિઓના નિવેદનો નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તપાસ પૂર્ણ થયા બાદ જ મૃત્યુનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.
આ અચાનક બનેલી ઘટનાથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે, જ્યારે રવિધામ વિસ્તારના રહેવાસીઓમાં પણ શોકની લાગણી પ્રસરી ગઈ છે. સમગ્ર મામલે રાધનપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અહેવાલ : અનિલ રામાનુજ, પાટણ
