સિદ્ધપુરમાં ખાટિયા તળાવના ડેવલપમેન્ટ સામે સામાજિક કાર્યકરના સવાલો
કેપિટલ મેસેજ
Capital message
સિદ્ધપુર: સિદ્ધપુરના સામાજિક કાર્યકર સંજીવન શર્મા દ્વારા સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ કરી સિદ્ધપુર નગરપાલિકાની અમૃત-2 યોજના હેઠળ ખાટિયા તળાવના ડેવલપમેન્ટ માટે કરવામાં આવેલી કામગીરી સામે સવાલો ઉઠાવવામાં આવ્યા છે. વીડિયોમાં ખાટિયા તળાવના વિકાસ પાછળ ખર્ચાયેલી મોટી રકમ અને સ્થળની ઉપયોગિતા અંગે પ્રશ્નો કરવામાં આવ્યા છે.
અમૃત-2 યોજના હેઠળ ખાટિયા તળાવના ડેવલપમેન્ટ માટે રૂ. 312.02 લાખ એટલે કે ત્રણ કરોડથી વધુની રકમની કામગીરી મંજૂર કરવામાં આવી હોવાનો ઉલ્લેખ કરતા સંજીવન શર્માએ સવાલ ઉઠાવ્યો છે કે આટલી મોટી ગ્રાન્ટનો ઉપયોગ કયા પ્રકારની કામગીરીમાં અને કેટલી અસરકારક રીતે કરવામાં આવ્યો છે?
સામાજિક કાર્યકરનો મુખ્ય સવાલ એ છે કે ખાટિયા તળાવ શહેરના મુખ્ય રહેણાંક તથા અવરજવરવાળા વિસ્તારથી દૂર હોવાથી સામાન્ય નાગરિકો તેનો કેટલો ઉપયોગ કરી શકશે? તળાવના વિકાસ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે ત્યારે સ્થળની પસંદગી, જાહેર ઉપયોગિતા, થયેલી કામગીરીની ગુણવત્તા અને ખર્ચની પારદર્શિતા અંગે પણ સ્પષ્ટતા થવી જોઈએ તેવી માંગ ઉઠી છે.
સંજીવન શર્માએ તંત્ર સમક્ષ માંગ કરી છે કે ખાટિયા તળાવના ડેવલપમેન્ટ પાછળ થયેલા ખર્ચની વિગત, કરવામાં આવેલી કામગીરી, મંજૂર થયેલા કામો તથા વાસ્તવિક સ્થળ પર થયેલા વિકાસની સ્થિતિ જાહેર કરવામાં આવે. કરોડો રૂપિયાની ગ્રાન્ટનો યોગ્ય અને જનહિતમાં ઉપયોગ થયો છે કે કેમ તે અંગે પારદર્શક માહિતી જાહેર થાય તે જરૂરી બન્યું છે.
આ મામલે હવે સિદ્ધપુર નગરપાલિકા અને સંબંધિત તંત્ર દ્વારા શું સ્પષ્ટતા કરવામાં આવે છે તેના પર સૌની નજર છે.
