રાધનપુર વિસ્તારમાં Flip Cart હોમ ડિલિવરીના નામે ગ્રાહકો સાથે અન્યાય

રાધનપુરના ગ્રામ્ય વિસ્તારમાં પાર્સલ ઘરે પહોંચાડવાનો ઇનકાર, ગ્રાહકોને ઓફિસ કે હાઈવે પર બોલાવાતા હોવાના આક્ષેપ
ઘર સુધી સેવા પાર્સલ મળવાના વિશ્વાસે ઓનલાઈન ખરીદી કરનારા ગ્રાહકો બન્યા પરેશાન – flip cart મા ડિલિવરી બોય મનમાની કરતાં ગ્રાહકોમાં ભારે અસંતોષ
રાધનપુર Flip cart ઓફિસમાં રજૂઆત કરવા છતાં પણ સંતોષકારક જવાબ મળતો નથી- ગ્રાહક
કેપિટલ મેસેજ
Capital message
રાધનપુર શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં ઓનલાઈન શોપિંગ કરનારા અનેક ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રાહકોના આક્ષેપ મુજબ હોમ ડિલિવરીના ચાર્જ ચૂકવ્યા હોવા છતાં પાર્સલ તેમના ઘર સુધી પહોંચાડવામાં આવતા નથી. તેના બદલે ડિલિવરી બોય ફોન કરીને “તમારા ઘરે પાર્સલ આપવા નહીં આવીએ, હાઈવે પર આવી જાઓ અથવા ઓફિસેથી પાર્સલ લઈ જાઓ, નહીં તો ઓર્ડર કેન્સલ કરાવી દો” તેવી વાતો કરતા હોવાનું ગ્રાહકો જણાવી રહ્યા છે.
ગ્રાહકોનું કહેવું છે કે આ કોઈ એક વ્યક્તિનો પ્રશ્ન નથી, પરંતુ રાધનપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા અનેક ગ્રાહકોને આવી જ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા ગ્રાહકોના જણાવ્યા મુજબ સ્થાનિક ઓફિસમાં રજૂઆત કરવા છતાં પણ સંતોષકારક જવાબ મળતો નથી અને વારંવાર એક જ જવાબ આપવામાં આવે છે કે “ઘરે હોમ ડિલિવરી નહીં થાય.”
કલ્યાણપુરા ગામના અનિલભાઈએ જણાવ્યું કે છેલ્લા બે દિવસથી પોતાનું પાર્સલ મેળવવા માટે સતત હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. તેમના જણાવ્યા મુજબ જ્યારે તેમણે ગ્રાહક તરીકે પૂછ્યું કે “અમે હોમ ડિલિવરી માટે વધારાનો ચાર્જ ચૂકવીએ છીએ, તો પછી ઘર સુધી પાર્સલ કેમ પહોંચાડતા નથી?” ત્યારે તેમને જવાબ મળ્યો કે, “તમે ભલે હોમ ડિલિવરીના ₹40 કે ₹50 ચૂકવતા હો, પરંતુ અમે ઘરે ડિલિવરી નહીં આપીએ. ઓફિસેથી લઈ જાઓ અથવા તમારા ગામથી નજીકના હાઈવે પર આવીને પાર્સલ લઈ જાઓ, નહીં તો ઓર્ડર કેન્સલ કરાવી દો.”
અનિલભાઈના જણાવ્યા મુજબ ડિલિવરી સ્ટાફે એવો પણ દાવો કર્યો કે કંપની તરફથી તેમને એક ઓર્ડર દીઠ માત્ર આશરે ₹10 જેટલું જ વળતર મળે છે, તેથી ઘર સુધી ડિલિવરી આપવી તેમના માટે શક્ય નથી. જોકે આ દાવાની કંપની તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
ગ્રામ્ય વિસ્તારોના ગ્રાહકોનું કહેવું છે કે જો દરેક વખતે હાઈવે અથવા ઓફિસ સુધી જવું જ પડે તો હોમ ડિલિવરીનો અર્થ જ શું રહ્યો? ખાસ કરીને મહિલાઓ, વૃદ્ધો, દિવ્યાંગ વ્યક્તિઓ અને નોકરીયાત લોકોને આ કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ઘર સુધી સેવા મળવાના વિશ્વાસે ઓનલાઈન ખરીદી કરનારા ગ્રાહકોને વારંવાર ધક્કા ખાવા પડે છે, જેના કારણે ગ્રાહકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.
ગ્રાહકોએ માંગ કરી છે કે કંપનીના ઉચ્ચ અધિકારીઓ સમગ્ર મામલે તાત્કાલિક તપાસ કરે, સ્થાનિક ડિલિવરી વ્યવસ્થાની સમીક્ષા કરે, હોમ ડિલિવરીની સુવિધા નિયમ મુજબ અમલમાં મૂકે અને જો કોઈ કર્મચારી ગ્રાહકો સાથે ગેરવર્તન કરતો હોય અથવા હોમ ડિલિવરી આપવાનો ઇનકાર કરતો હોય તો તેની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. સાથે જ કંપની સમગ્ર મામલે પોતાનો સત્તાવાર ખુલાસો કરે તેવી પણ માંગ ઉઠી છે.
રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર, પાટણ
