42 કરોડના બ્રિજ પર હજુ લાઈટો બંધ

ડભોઇ સરીતા ઓવરબ્રિજ પર અંધારું : 42 કરોડના બ્રિજ પર હજુ લાઈટો બંધ, પૂર્ણતા પ્રમાણપત્ર પણ બાકી.
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
ડભોઇ શહેરના મહત્વના સરીતા ઓવરબ્રિજ પર આજે પણ લાઈટો શરૂ ન થતા વાહનચાલકોમાં ભારે રોષ ફેલાયો છે. બ્રિજ પર લાઈટ પોલ તો ઉભા કરી દેવામાં આવ્યા છે, પરંતુ મોટાભાગની લાઈટો બંધ હાલતમાં હોવાથી રાત્રિના સમયે અકસ્માતનો ભય વધી રહ્યો છે. મળતી માહિતી મુજબ, રેલવે ડી.એમ. 30/8-8 માર્ગ પર આવેલ આ ઓવરબ્રિજના નિર્માણ માટે અંદાજે રૂપિયા 42 કરોડથી વધુનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો.

માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોન્ટ્રાક્ટરને કામ પૂર્ણ કરવા માટે 15 મહિનાની સમય મર્યાદા આપવામાં આવી હતી. દસ્તાવેજો અનુસાર બ્રિજનું કામ વર્ષ 2022 સુધીમાં પૂર્ણ થવાનું હતું.તેમ છતાં હાલની સ્થિતિ એ છે કે બ્રિજ પર જરૂરી સુવિધાઓ અધૂરી છે. ખાસ કરીને લાઈટ વ્યવસ્થા શરૂ ન થતાં રાત્રિના સમયે અંધકાર છવાઈ જાય છે. સ્થાનિક નાગરિકો અને દૈનિક વાહનચાલકોનો આક્ષેપ છે કે બ્રિજ પર અકસ્માતની શક્યતાઓ સતત વધી રહી છે.
આશ્ચર્યની વાત એ છે કે, કામ પૂર્ણ થયા બાદ પણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા હજુ સુધી બ્રિજને કંપ્લીશન સર્ટિફિકેટ આપવામાં આવ્યું નથી. જેના કારણે કામની ગુણવત્તા અને કામગીરી અંગે પણ અનેક સવાલો ઊભા થયા છે.સ્થાનિકોમાં માંગ ઉઠી છે કે તાત્કાલિક ધોરણે બ્રિજની લાઈટો કાર્યરત કરવામાં આવે અને બાકી રહેલી પ્રક્રિયા પૂર્ણ કરીને સત્તાવાર રીતે બ્રિજને જાહેર ઉપયોગ માટે સંપૂર્ણ જાહેર કરવામાં આવે.
રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
