રાધનપુરમાં તાપમાન 43°c ડિગ્રી વચ્ચે TRB જવાનએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

ભારે ગરમીને કારણે બસ સ્ટેન્ડ નજીક બેભાન થયેલી વૃદ્ધાને ખભે ઉઠાવી હોસ્પિટલ પહોંચાડતાં TRB જવાન ભુરાભાઈ મકવાણાની પ્રસંશનીય કામગીરી
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
રાધનપુરમાં વધતી જતી ગરમીના પ્રકોપ વચ્ચે માનવતાનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે. બપોરના તીવ્ર તાપમાનમાં એટલે કે આશરે 43°c થી લઇને 44°c ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે. ત્યારે આ ભારે અને કાળઝાળ ગરમી વચ્ચે રાધનપુર બસ સ્ટેન્ડ નજીક એક વૃદ્ધ મહિલા અચાનક બેભાન થઈને રસ્તા પર પડી ગયા હતા. ઘટના સ્થળે હાજર લોકો મદદ માટે પ્રયત્નશીલ બન્યા હતા, પરંતુ ગરમી અને પરિસ્થિતિને કારણે યોગ્ય નિર્ણય લેવામાં થોડી અચકાટ જોવા મળી રહી હતી.
આ દરમિયાન રાધનપુર પોલીસ સ્ટેશનનાં TRB જવાન ભુરાભાઈ મકવાણા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા અને કોઈ વિલંબ કર્યા વિના બેભાન થયેલી વૃદ્ધાને પોતાના ખભે ઉઠાવી સીધા જ રાધનપુરના રેફરલ સરકારી દવાખાના તરફ દોડી ગયા. તેમની આ ઝડપી અને નિર્ભય કામગીરીને કારણે મહિલાને તાત્કાલિક સારવાર મળી શકી.

પછી અન્ય લોકોએ પણ હોસ્પિટલ પહોંચીને સ્થિતિની ખાતરી કરી, જ્યાં સુધીમાં જવાને મહિલાને બેડ સુધી સુરક્ષિત રીતે પહોંચાડી દીધા હતા. સમગ્ર ઘટનાએ સ્થળ પર હાજર લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા.
આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે તીવ્ર ગરમી વચ્ચે ફરજ બજાવતા પોલીસ જવાનો, ટ્રાફિક જવાનો માત્ર ટ્રાફિક વ્યવસ્થા જ નહીં, પરંતુ જરૂરિયાત સમયે માનવતાની મિસાલ પણ ઉભી કરે છે. TRB જવાન ભુરાભાઈ મકવાણાની આ કામગીરી શહેરમાં ચર્ચાનો વિષય બની છે અને લોકોમાં આવા ફરજ નિષ્ઠા ધરાવતા જવાનો પ્રત્યે ગર્વની લાગણી ઉભી થઈ છે.રાધનપુરમાં વધતી ગરમી વચ્ચે આવી માનવતાભરી સેવા સમાજ માટે પ્રેરણારૂપ બની રહી છે.
રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર, પાટણ
