ઉત્તર ગુજરાતમાં પ્રથમ વખત એક જ સિટિંગમાં બંને કાનનું એન્ડોસ્કોપિક ઓપરેશન સફળ

પાટણ | તા. 06-05-2026 | સવારે 9:00 વાગ્યે
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
પાટણ ખાતે ઉત્તર ગુજરાતમાં પ્રથમ વખત એક જ સિટિંગમાં બંને કાનનું એન્ડોસ્કોપિક ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. સેવલની ગામની 54 વર્ષીય મહિલા છેલ્લા પાંચ વર્ષથી બંને કાનમાંથી રસી પડવાની તેમજ સાંભળવામાં તકલીફની સમસ્યાથી પીડાઈ રહી હતી. તબીબી તપાસ દરમિયાન બંને કાનના પડદામાં કાણું હોવાનું નિદાન થયું હતું.
દર્દીની આધુનિક એન્ડોસ્કોપિક પદ્ધતિથી દૂરબીન વડે એક જ સિટિંગમાં બંને કાનની સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી હતી. તબીબોના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાતમાં આ પ્રકારની સર્જરી પ્રથમ વખત કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. સર્જરી સાથે કાન અને નાકને જોડતી યૂસ્ટેશિયન ટ્યુબની તકલીફ માટે પણ એન્ડોસ્કોપિક સારવાર આપવામાં આવી હતી.

આ સર્જરી ચીરા અને ટાંકા વગર કરવામાં આવી હતી, જેના કારણે પરંપરાગત માઇક્રોસ્કોપિક પદ્ધતિ મુજબ કાન પાછળ ચીરો આપવાની જરૂર પડી નહોતી. ઉપરાંત ઓપરેશન ઓછા સમયમાં પૂર્ણ થતા દર્દી પર જનરલ એનેસ્થેશિયાની અસર પણ ઓછી સમયગાળામાં ઘટી ગઈ હતી.
આ સફળ સર્જરી GMERS મેડિકલ કોલેજ પાટણના ENT વિભાગના વડા અને ડીન ડૉ. હાર્દિક શાહ તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી. સર્જરી દરમિયાન એનેસ્થેશિયા વિભાગે પણ મહત્વપૂર્ણ અને કાર્યક્ષમ ભૂમિકા ભજવી હતી, જેના કારણે સમગ્ર ઓપરેશન સુરક્ષિત રીતે સફળ બન્યું હતું.
તબીબોના જણાવ્યા મુજબ આ ઓપરેશનથી દર્દીને સાંભળવા ની ક્ષમતામાં સુધારો થશે તેમજ કાનમાંથી થતી રસીની સમસ્યામાંથી રાહત મળશે.
રિપોર્ટ: રાજેશ જાદવ, પાટણ
