પાટણમાં ભાજપની સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ: તા.પંચાયત બાદ હવે નગરપાલિકા, જિલ્લા પંચાયત માટે અભિપ્રાય

ત્રણ નિરીક્ષકો દ્વારા ચૂંટાયેલા સદસ્યો સાથે રૂબરૂ મુલાકાત; આગામી સપ્તાહે અહેવાલ પ્રદેશ સમક્ષ
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
પાટણ જિલ્લામાં ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં નવા હોદ્દેદારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી છે. પ્રદેશ ભાજપ દ્વારા નિયુક્ત ત્રણ નિરીક્ષકો તાલુકા પંચાયતો અને ચૂંટાયેલા સદસ્યોના અભિપ્રાય મેળવી રહ્યા છે.જિલ્લા ભાજપ કાર્યાલય ‘કમલમ્’ ખાતે પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સમિતિના ચેરમેન, પક્ષના નેતા અને દંડક સહિતના પદોની પસંદગી માટે પ્રક્રિયા હાથ ધરાઈ છે. આ માટે સુરેન્દ્રનગર પ્રદેશ કારોબારી સભ્ય દિલીપ પટેલ, કિસાન મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી બાબુભાઈ જેબલિયા અને પ્રદેશ મંત્રી આશાબેન નકુમને નિરીક્ષક તરીકે નિમવામાં આવ્યા છે, જે સદસ્યો સાથે રૂબરૂ મુલાકાત કરી અભિપ્રાયો લઈ રહ્યા છે.
પ્રથમ દિવસે તા.2 મેં નાં રોજ ચાણસ્મા, હારીજ, સમી, શંખેશ્વર, રાધનપુર, સાંતલપુર અને સરસ્વતી તાલુકા પંચાયતો માટે પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનના પદ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. બીજા દિવસે એટલે કે તા. 3 મૈં નાં રોજ પાટણ અને સિદ્ધપુર નગરપાલિકાઓ માટે અભિપ્રાય લેવામાં આવશે, જ્યારે ત્યારબાદના દિવસે જિલ્લા પંચાયતના હોદ્દેદારો માટે પ્રક્રિયા યોજાશે. આ રીતે જિલ્લામાં આવેલી બે નગરપાલિકા અને તમામ પંચાયતોને આવરી લેતી સંપૂર્ણ પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે.
નિરીક્ષકો દ્વારા મેળવાયેલા અભિપ્રાયોનો અહેવાલ આગામી સપ્તાહમાં જિલ્લા સંકલન સમિતિને સુપરત કરવામાં આવશે અને ત્યારબાદ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ થશે. અંતે પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા નામો પર અંતિમ મહોર લગાવવામાં આવશે, જેના આધારે જિલ્લાની તમામ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓના નવા હોદ્દેદારોની સત્તાવાર જાહેરાત થશે.
નોંધનીય છે કે સિદ્ધપુર અને પાટણ તાલુકા પંચાયત હાલમાં કોંગ્રેસના શાસન હેઠળ છે. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન સાંસદ ભરત ડાભી, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ સિંધવ તેમજ સંજયભાઈ પટેલ, બાબુજી ઠાકોર અને લાલજીભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર, પાટણ
