પાટણ: ધારપુર મેડિકલ કોલેજમાં દુર્લભ જન્મજાત ખામી ધરાવતી 22 વર્ષની યુવતીની વિનામૂલ્યે સફળ વજાઈનોપ્લાસ્ટી સર્જરી

કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
પાટણ: ધારપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તબીબી ક્ષેત્રે એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. જન્મજાત દુર્લભ ખામી (MRKH Syndrome)થી પીડાતી 22 વર્ષની યુવતીની અત્યંત જટિલ ગણાતી વજાઈનોપ્લાસ્ટી (Vaginoplasty) સર્જરી સફળતાપૂર્વક અને સંપૂર્ણપણે વિનામૂલ્યે કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, યુવતીને જન્મથી MRKH Syndrome નામની અત્યંત દુર્લભ જન્મજાત સ્થિતિ હતી. આ સ્થિતિમાં ગર્ભાશય તથા યોનિમાર્ગ (જનનાંગ)નો વિકાસ સામાન્ય રીતે થતો નથી. અંદાજે દર 10,000 મહિલામાંથી માત્ર એક મહિલામાં જોવા મળતી આ દુર્લભ સ્થિતિના કારણે યુવતી સારવાર માટે ધારપુર મેડિકલ કોલેજના ગાયનેકોલોજી વિભાગમાં પહોંચી હતી.
જરૂરી તબીબી તપાસો અને નિષ્ણાતોના અભિપ્રાય બાદ યુવતીમાં આ દુર્લભ જન્મજાત ખામીનું નિદાન થયું હતું. ત્યારબાદ તબીબી અધિક્ષક ડૉ. પારૂલબેન શર્મા, ડીન ડૉ. હાર્દિક શાહ અને ડૉ. રમેશભાઈ પ્રજાપતિ (RMO) ના માર્ગદર્શન અને સહકારથી દર્દીને વિનામૂલ્યે સર્જરી કરવાની યોજના બનાવવામાં આવી હતી.
તા. 23 જૂન, 2026ના રોજ બહારથી આમંત્રિત નિષ્ણાત સર્જન ડૉ. વિનીત મિશ્રા, ગાયનેક સર્જન ડૉ. ઉદય પટેલ, પ્લાસ્ટિક સર્જન ડૉ. હિરેન ઓઝા તથા અન્ય નિષ્ણાતોની ટીમે સફળતાપૂર્વક વજાઈનોપ્લાસ્ટી સર્જરી કરીને યુવતી માટે કૃત્રિમ યોનિમાર્ગનું નિર્માણ કર્યું હતું.
સામાન્ય રીતે લાખો રૂપિયાનો ખર્ચ થતી અને અત્યંત જટિલ ગણાતી આ સર્જરી ધારપુર મેડિકલ કોલેજમાં સંપૂર્ણપણે વિનામૂલ્યે કરવામાં આવતા દર્દી તથા તેના પરિવારજનોએ સમગ્ર સર્જન ટીમ, તબીબો, નર્સિંગ સ્ટાફ અને હોસ્પિટલ તંત્રનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
ધારપુર મેડિકલ કોલેજ દ્વારા કરવામાં આવેલી આ સફળ સર્જરી માત્ર તબીબી ક્ષેત્રની સિદ્ધિ જ નહીં પરંતુ આર્થિક રીતે નબળા દર્દીઓને ઉચ્ચ કક્ષાની સારવાર ઉપલબ્ધ કરાવવાના સરકારી આરોગ્ય તંત્રના માનવતાવાદી અભિગમનું પણ ઉત્તમ ઉદાહરણ બની છે.
