પાટણ જિલ્લાકક્ષાનો સ્વાતંત્ર્ય પર્વ શંખેશ્વર ખાતે યોજાયો – શંખેશ્વરની પાવન ધરતી પર ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ગૌરવભેર ઉજવણી

મંત્રી સ્વરૂપજી ઠાકોરના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી તિરંગાને સલામી; વિકાસના સંકલ્પ સાથે પાટણને વિકસિત જિલ્લો બનાવવાનું આહવાન
“ખેડૂત સમૃદ્ધ બને, યુવાનોને રોજગાર મળે અને દરેક પરિવાર સુધી વિકાસ પહોંચે એ જ વિકસિત પાટણની નેમ” : પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોર
રાષ્ટ્રીય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી નિમિત્તે શંખેશ્વર તાલુકાના વિકાસકાર્યો માટે ₹૨૫ લાખની સહાયનો ચેક અર્પણ
જિલ્લાના ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મયોગીઓ સાથે માહિતી કચેરીના ફોટોગ્રાફર સંજય પરમાર અને વિડિયોગ્રાફર જલ્પેશ પરમારને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા
કેપિટલ મેસેજ
Capital message
સમગ્ર દેશ સાથે પાટણ જિલ્લામાં પણ આજે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની દેશભક્તિ, રાષ્ટ્રગૌરવ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. શંખેશ્વરની પાવન ધરતી પર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ખાદી અને કુટીર ગ્રામોદ્યોગ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી તથા પાટણ જિલ્લા પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોરની અધ્યક્ષતામાં યોજાયેલા જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં મંત્રી સ્વરૂપજી ઠાકોરે રાષ્ટ્રધ્વજ ફરકાવી તિરંગાને સલામી આપી હતી અને જિલ્લાવાસીઓને ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે સામાન્ય વહીવટ વિભાગ (આયોજન), ગાંધીનગર રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રીય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી નિમિત્તે વિકાસનાં કામો અર્થે શંખેશ્વર તાલુકા વિકાસ અધિકારીને રૂપિયા ૨૫ લાખની સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

જિલ્લા પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોરે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, અસંખ્ય સ્વાતંત્ર્ય સેનાનીઓના અદમ્ય સંઘર્ષ અને બલિદાનના પરિણામે આજે આપણે તિરંગાની છત્રછાયામાં સ્વતંત્ર ભારતની ધરતી પર શ્વાસ લઈ રહ્યા છીએ. ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે દેશ માટે સર્વસ્વ અર્પણ કરનાર વીર સપૂતોને નમન કરી તેમના સપનાઓના ભારતના નિર્માણ માટે નવી ઊર્જા, નવા સંકલ્પ અને નવી પ્રતિબદ્ધતા સાથે આગળ વધવાનો આ અવસર છે.
તેમણે જણાવ્યું હતું કે, “પાટણ હવે વિકાસની નવી દિશા અને નવી ગતિ સાથે આગળ વધી રહ્યું છે. ખેડૂત સમૃદ્ધ બને, યુવાનોને રોજગારની નવી તકો મળે, દીકરીઓ શિક્ષિત અને સશક્ત બને, બાળકો સુપોષિત અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવે તથા સરકારની યોજનાઓનો લાભ છેવાડાના પરિવાર સુધી પહોંચે એ જ વિકસિત પાટણની નેમ છે.”
પર્યાવરણ સંરક્ષણને વિકાસનો અભિન્ન હિસ્સો ગણાવતા મંત્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું હતું કે, જિલ્લામાં ૩૩.૬૫ લાખ રોપાઓનું વિતરણ, ૧૯૦ સ્થળોએ વન મહોત્સવ અને ૬૨૦ હેક્ટર વિસ્તારમાં એગ્રો ફોરેસ્ટ્રી જેવી કામગીરી દ્વારા હરિયાળા પાટણના નિર્માણ તરફ મજબૂત પગલાં ભરાઈ રહ્યાં છે.
શિક્ષણ ક્ષેત્રે ૪૪૨ નવા વર્ગખંડોને મંજૂરી તથા ૩૨ PM SHRI શાળાઓ કાર્યરત થવી એ પાટણની નવી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય તરફનું મહત્વપૂર્ણ પગલું છે. જ્યારે પોષણ ક્ષેત્રે ૧,૪૨૭ આંગણવાડી કેન્દ્રો દ્વારા વિવિધ પોષણ સેવાઓનો લાભ આપવામાં આવી રહ્યો છે.
શંખેશ્વરની પવિત્ર ધરતી પરથી મંત્રી સ્વરૂપજી ઠાકોરે “સ્વચ્છ પાટણ, સુપોષિત પાટણ, શિક્ષિત પાટણ, રોજગારયુક્ત પાટણ અને ખેડૂત સમૃદ્ધ પાટણ” ના સંકલ્પને સાકાર કરવા સૌને સહિયારા પ્રયાસો માટે આહવાન કર્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે, “વિકાસ ભી, વિરાસત ભી”ના મંત્ર સાથે પાટણની ઐતિહાસિક ધરોહર, સમૃદ્ધ સંસ્કૃતિ અને ગૌરવપૂર્ણ પરંપરાનું જતન કરતાં આધુનિક વિકાસને વેગ આપવો એ સૌની સહિયારી જવાબદારી છે.
પાટણની વિરાસતને સાચવીને વિકાસની નવી ઊંચાઈઓ સર કરવી અને પાટણને ગુજરાતના અગ્રણી વિકસિત જિલ્લાઓમાં સ્થાન અપાવવું એ સૌની સહિયારી નેમ બને તેવો સંકલ્પ વ્યક્ત કરતાં મંત્રી સ્વરૂપજી ઠાકોરે “વિકસિત ભારત @ ૨૦૪૭”ના મહાસંકલ્પમાં પાટણને અગ્રેસર બનાવવા સૌને ખભેખભો મિલાવી આગળ વધવા આહવાન કર્યું હતું.
સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર જિલ્લાના ઉત્કૃષ્ટ અધિકારીઓ, કર્મયોગીઓ અને વિશેષ વ્યક્તિઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
જિલ્લામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓને આ તકે સન્માનિત કરવામાં આવ્યા હતા. સરકારી યોજનાઓના પ્રસાર-પ્રચાર, વિવિધ સરકારી કાર્યક્રમોના ફોટો-વિડિયો કવરેજ તેમજ ભારે વરસાદ જેવી આપાતકાલીન પરિસ્થિતિમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ જિલ્લા માહિતી કચેરી, પાટણના ફોટોગ્રાફર સંજય પરમાર અને વિડિયોગ્રાફર જલ્પેશ પરમારને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. મંત્રી સ્વરૂપજી ઠાકોરે પરેડનું અભિવાદન ઝીલ્યું હતું. વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિની ભાવનાથી ઓતપ્રોત સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમોની રજૂઆત કરવામાં આવી હતી, જેને ઉપસ્થિત સૌએ ઉત્સાહપૂર્વક વધાવી હતી.
કાર્યક્રમના અંતે મંત્રી સ્વરૂપજી ઠાકોર સહિતના મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જિલ્લા કક્ષાના આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગો દ્વારા સંકલિત કામગીરી કરવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિક પટેલ, રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, જિલ્લા કલેક્ટર ડૉ. પ્રશાંત જિલોવા, જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાયી, પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોર, નિવાસી અધિક કલેક્ટર સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ, પોલીસ જવાનો, વિવિધ શાળાના વિદ્યાર્થીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
