પાટણમાં ગેસ્ટ હાઉસમાંથી કુટણખાનુ ઝડપાયું..

સંચાલક મહિલાની ધરપકડ, SOG અને મહિલા પોલીસે સંયુક્ત કાર્યવાહી કરી
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital Message
પાટણ શહેરમાં ગેસ્ટ હાઉસની આડમાં ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશ થયો છે. SOG અને મહિલા પોલીસ સ્ટેશનની ટીમે સંયુક્ત કાર્યવાહી કરીને પાલિકા બજાર સામે આવેલા ‘કેશરી ગેસ્ટ હાઉસ’માંથી કુટણખાનુ ઝડપી પાડયું છે.
પોલીસના દરોડા દરમિયાન, ગેસ્ટ હાઉસના કાઉન્ટર પરથી સંચાલક 35 વર્ષીય વર્ષાબેન અતુલભાઈ દેવજીભાઈ સોજીત્રા મળી આવ્યા હતા. પોલીસે તેમની ધરપકડ કરી છે. આ કાર્યવાહીમાં દેહ વ્યાપાર માટે લાવવામાં આવેલી ચાર મહિલાઓને મુક્ત કરવામાં આવી હતી.
સ્થળ પરથી ગ્રાહક તરીકે આવેલા બે પુરુષો અને અન્ય બે પુરુષો પણ મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રૂપિયા 2000 અને અન્ય મુદ્દામાલ કબજે કર્યો છે.
વર્ષાબેનની પૂછપરછમાં પાટણના સરસ્વતી તાલુકાના કિમ્બુવા ગામનો રહેવાસી મુસ્તાકભાઈ ઈસ્માઈલભાઈ સુમરા આ દેહ વ્યાપારનો મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું છે. પોલીસે ગેસ્ટ હાઉસના સંચાલકો વિરુદ્ધ ગુનો નોંધી આરોપીઓને મુદ્દામાલ સાથે પાટણ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપ્યા છે. મુખ્ય આરોપી મુસ્તાકભાઈ સુમરાને પકડવાની તજવીજ ચાલુ છે.
રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર, પાટણ
