કાંસા ગામે કિસાન સંવાદ કાર્યક્રમ યોજાયો,ખેડૂતોમાં વિકાસ માટે ઉત્સાહ

ભાજપ ઉમેદવારોને જંગી બહુમતીથી વિજયી બનાવવા અપીલ
કેપિટલ મેસેજ, ન્યુઝ
પાટણ તાલુકાના કાંસા ગામે કિસાન મોરચા દ્વારા આયોજિત ‘કિસાન સંવાદ’ કાર્યક્રમ અંતર્ગત ખેડૂતો સાથે પ્રત્યક્ષ મુલાકાત યોજાઈ હતી. કાર્યક્રમ દરમિયાન ખેડૂતોએ પોતાની સમસ્યાઓ રજૂ કરી અને સંવાદ દ્વારા તેના ઉકેલ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ અવસરે સરકારની ખેડૂતલક્ષી વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને તેના થકી ખેડૂતોના જીવનમાં આવેલા પાયાના પરિવર્તનો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ઉપસ્થિત આગેવાનો દ્વારા ખેડૂતોને યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.

આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો માટે ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે ગ્રામજનોને આહવાન કરવામાં આવ્યું હતું. ‘વિકાસની રાજનીતિ’ને આગળ વધારવા માટે મતદાનમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા પણ અપીલ કરાઈ હતી.
કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારો, કિસાન મોરચાના પ્રમુખ અશ્વિનભાઈ પટેલ,મહામંત્રીઓ તેમજ મોટી સંખ્યામાં ખેડૂત આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ: રાજેશ જાદવ, પાટણ
