ડભોઇમાં ચૂંટણી જંગ તેજ સાઠોદમાં ભાજપના શક્તિ પ્રદર્શન સામે કોંગ્રેસનો પલટવાર

કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
ડભોઇ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ડભોઇ તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકો માટે રાજકીય માહોલ ગરમાયો છે. સાઠોદ ગામમાં ભાજપ દ્વારા કરવામાં આવેલા શક્તિ પ્રદર્શનના જવાબમાં કોંગ્રેસે પણ વિરાટ જનસભા યોજી પોતાની મક્કમતા દર્શાવી છે.
સિદ્ધાર્થ પટેલની સક્રિયતાથી કોંગ્રેસમાં નવો પ્રાણ ડભોઇના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના દિગ્ગજ નેતા સિદ્ધાર્થ પટેલ ચૂંટણી પ્રચારમાં સક્રિય થતા જ કાર્યકરો અને ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમણે તાલુકાના વિવિધ વિસ્તારોમાં ઝંઝાવતી પ્રચાર કરી સભાઓ ગજવવાનું શરૂ કર્યું છે.
સાઠોદમાં ‘શક્તિ પ્રદર્શન’ સામે ‘જનસંવાદ’ તાજેતરમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ સુધીર બારોટના વતન સાઠોદ ગામમાં ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતાએ ઘોડેસવાર થઈ ભવ્ય રેલી યોજી શક્તિ પ્રદર્શન કર્યું હતું. આના વળતા જવાબમાં ગઇકાલે મોડી સાંજે સિદ્ધાર્થ પટેલે તે જ ગામમાં વિશાળ સભા સંબોધી હતી.સભામાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી.સ્થાનિકો દ્વારા કોંગ્રેસને અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો હતો.

સિદ્ધાર્થ પટેલના ભાજપ પર આકરા પ્રહાર ધારાસભ્ય શૈલેષ મહેતાનું નામ લીધા વિના સિદ્ધાર્થ પટેલે તીખા વેણ ઉચ્ચાર્યા હતા:
“આ ચૂંટણી માત્ર સત્તાની નથી, પણ અધિકારની લડાઈ છે. ડર, ભય અને દબાણના જોરે નાગરિકોના અધિકારો છીનવવાનો પ્રયાસ થઈ રહ્યો છે તેમણે ફોર્મ ખેંચવા બાબતે થયેલી ઝપાઝપી અને ત્યારબાદ કોંગ્રેસના કાર્યકરો પર થયેલી ફરિયાદોને ‘લોકશાહીનું અપમાન’ ગણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે ખોટા આક્ષેપો કરીને કાર્યકરોનું મનોબળ તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે મતદારોને જાગૃત થવા આહવાન સિદ્ધાર્થ પટેલે નાગરિકોને અપીલ કરી હતી કે તેઓ કોઈપણ ભયમાં આવ્યા વિના જાગૃત બને અને લોકશાહીને બચાવવા માટે પૂરી તાકાતથી મતદાન કરે. સાઠોદની આ સભાએ સમગ્ર ડભોઇ પંથકમાં ચર્ચા જગાવી છે અને આગામી ચૂંટણી જંગ વધુ રસપ્રદ બનવાના સંકેતો આપ્યા છે.
રિપોર્ટ : ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
