પાટણને ચેન્નઈ સુપરફાસ્ટ એક્સપ્રેસનું સ્ટોપેજ મળતાં:પાટણવાસીઓને વધુ એક રેલવે સુવિધા

પાટણ રેલવે સ્ટેશન ખાતે ચેન્નઈ સુપરફાસ્ટ એક્સપ્રેસને સ્ટોપેજ મળતાં પાટણવાસીઓને વધુ એક રેલવે સુવિધા
“પાટણના રેલવે વિકાસ માટે કેન્દ્ર સરકારના સહયોગથી અનેક મહત્વપૂર્ણ કામગીરી પ્રગતિમાં”:સાંસદ ભરતસિંહ ડાભી
કેપિટલ મેસેજ
Capital message
પાટણ રેલવે સ્ટેશન ખાતે ચેન્નઈ સુપરફાસ્ટ એક્સપ્રેસને સ્ટોપેજ મળતાં પાટણ અને આસપાસના વિસ્તારના નાગરિકોને વધુ એક મહત્વપૂર્ણ રેલવે સુવિધા પ્રાપ્ત થઈ છે. આ પ્રસંગે સાંસદ ભરતસિંહ ડાભીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે સાંસદ ભરતસિંહ ડાભીએ જણાવ્યું હતું કે, પાટણના નાગરિકો, વિવિધ સંગઠનો અને વરિષ્ઠ નાગરિકો દ્વારા લાંબા સમયથી ચેન્નઈ સુપરફાસ્ટ એક્સપ્રેસને પાટણ ખાતે સ્ટોપેજ આપવા માટે રજૂઆતો કરવામાં આવી હતી. આ જનમાગણીને ધ્યાને લઈ ભારત સરકાર દ્વારા સ્ટોપેજ મંજૂર કરવામાં આવ્યો છે. જેના પરિણામે પાટણના મુસાફરોને ચેન્નઈ સહિત દેશના વિવિધ વિસ્તારો સાથેની મુસાફરીમાં વધુ સુવિધા મળશે.
સાંસદએ આ નિર્ણય બદલ રેલવે વિભાગ, રેલવે મંત્રીશ્રી તથા ગુજરાતના DRM વેદપ્રકાશજીનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, પાટણના રેલવે વિકાસ માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. પાટણ ખાતે અંદાજે રૂ. ૪૦ કરોડના ખર્ચે નવા રેલવે સ્ટેશનનું નિર્માણ કાર્ય પ્રગતિ હેઠળ છે, જે માર્ચ-૨૦૨૭ સુધીમાં પૂર્ણ કરવાની દિશામાં કામગીરી ચાલી રહી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ દેશમાં રેલવે ક્ષેત્રે વ્યાપક આધુનિકીકરણ થયું છે. ઉત્તર ગુજરાતમાં મીટરગેજમાંથી બ્રોડગેજમાં રૂપાંતર, નવી રેલવે લાઇનો, નવી ટ્રેનો તથા સ્ટેશનોના આધુનિકીકરણથી કનેક્ટિવિટી વધુ મજબૂત બની છે.
સાંસદએ જણાવ્યું હતું કે, લોકસભામાં કરેલી રજૂઆતના પરિણામે અંદાજે રૂ. ૩,૨૦૦ કરોડના ખર્ચે તારંગા-અંબાજી-આબુરોડ રેલવે લાઇનને મંજૂરી મળી છે. આ ઉપરાંત ચાણસ્માથી રાધનપુર સુધીની રેલવે લાઇન માટે પણ પ્રયાસો ચાલુ છે. પાટણના નાગરિકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને રેલવે સુવિધાઓમાં વધુ વધારો થાય તે માટે આગામી સમયમાં પણ સતત પ્રયત્નો કરવામાં આવશે.
કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ ચંદ્રિકાબેન રાવલ, વિવિધ સંગઠનોના હોદ્દેદારો, આગેવાનો, અધિકારીઓ, પદાધિકારીઓ, રેલવે વિભાગના કર્મચારીઓ સહિતના મહાનુભાવો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
