વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે સિદ્ધપુરમાં સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો: 52 બોટલ રક્ત એકત્રિત
આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને નાગરિકોએ ઉત્સાહભેર રક્તદાન કરી માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણીના ભાગરૂપે આજે જનરલ હોસ્પિટલ, સિદ્ધપુર ખાતે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પનું આયોજન CDMO ડૉ. શોભા ખંડેલવાલ, RMO ડૉ. જય મોદી સર, તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. રાહુલભાઈ ચૌધરીના માર્ગદર્શન અને અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું.
આ રક્તદાન કેમ્પમાં ડૉ. વિપુલ ત્રિવેદી, ડૉ. રજનીકાંત, ડૉ. હેમા પટેલ, ડૉ. દર્શિત ઠક્કર, તાલુકા હેલ્થ સુપરવાઇઝર ડૉ. બી. રાઠોડ, એસ. એલ. પટેલ સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ તાલુકાના વિવિધ વિભાગોના કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કેમ્પ દરમિયાન તાલુકા આરોગ્ય કચેરીના કર્મચારીઓ તેમજ વિવિધ ક્ષેત્રના લાભાર્થીઓ દ્વારા કુલ ૫૨ બોટલ રક્તદાન કરવામાં આવ્યું હતું. રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે અનેક અધિકારીઓ, કર્મચારીઓ અને સ્વયંસેવકોએ સહયોગ આપ્યો હતો.
આ પ્રસંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે રક્તદાન એ મહાદાન છે. આપેલું રક્ત ઇમરજન્સી સ્થિતિમાં, સર્જરી દરમિયાન, ગર્ભવતી માતાઓ તથા જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવનદાયી સાબિત થાય છે. સમાજમાં રક્તની અછત ન સર્જાય અને જરૂરિયાતમંદોને સમયસર રક્ત મળી રહે તે માટે આવા રક્તદાન કેમ્પોનું વિશેષ મહત્વ છે.
કેમ્પના સફળ આયોજન બદલ તાલુકા આરોગ્ય કચેરી, સિદ્ધપુર દ્વારા તમામ રક્તદાતાઓ, અધિકારીઓ, કર્મચારીઓ અને સહયોગીઓને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
