ખલીપુર ગામે રામાપીર મંદિરે યુવાન રાહુલજી ઠાકોરની

અનોખી માનતા પૂર્ણ: ભક્તિ અને શ્રદ્ધાનો જીવંત દૃશ્ય સર્જાયો
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
ઐતિહાસિક નગરી પાટણ શહેરના હાંસાપુર વિસ્તારના યુવાન રાહુલજી ઠાકોર દ્વારા ખલીપુર ગામે આવેલ લગભગ ૫૦ વર્ષ જૂના રામાપીર મંદિરે રાખેલ માનતા પૂર્ણ થતાં ભક્તિનો અનોખો અને ભાવવિભોર દૃશ્ય સર્જાયો હતો.
આજ રોજ તારીખ ૧૯/૦૪/૨૦૨૬, રવિવાર વૈશાખ મહિનાની પવિત્ર બીજના દિવસે મોડી રાત્રે રાહુલજી ઠાકોર શ્રીફળ, ધજા તથા પ્રસાદ સાથે પોતાની સફળ થયેલી માનતા પૂર્ણ કરવા માટે ખલીપુર ગામના રામદેવપીર ભગવાનના મંદિરે પહોંચ્યા હતા. તેમણે માનતાં મુજબ હાંસાપુરથી ખલીપુર ગામ મંદિર સુધી નીચે સૂઈ રામદેવપીર ભગવાનને પગે લાગી પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી હતી.

આ ભક્તિમય યાત્રામાં હાંસાપુરના તેમના સાથી યુવાન મિત્રો વિપુલજી ઠાકોર, કિશન ઠાકોર અને મૌલિક ઠાકોર પણ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. મિત્રો દ્વારા રાહુલજી ઠાકોરને સહાયરૂપ બનવા માટે નીચે ગાદલા મૂકી સહભાગી બની માનતા પૂર્ણ કરવામાં સહકાર આપ્યો હતો.
સમગ્ર યાત્રા દરમિયાન મોડીરાત્રે મળતા ભક્તો દ્વારા “જય રામાપીર” ના ગાજતા જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આ ઘટના યુવાનોમાં ધાર્મિક શ્રદ્ધા અને સંસ્કૃતિ પ્રત્યેની લાગણીનું ઉત્તમ ઉદાહરણ પુરવાર થઈ છે.
રિપોર્ટ: પરેશ ઝાલા, પાટણ
