રાધનપુરની વલ્લભનગર પ્રા. શાળામાં અનોખી પહેલ, પરિણામ સાથે વિદ્યાર્થીઓને ભેટ આપી પ્રોત્સાહન

હોલ ટિકિટ, ઓનલાઈન રિઝલ્ટથી લઈને લેમિનેશન માર્કશીટ સુધી, પ્રાથમિક સ્તરે નવીન શૈક્ષણિક પ્રયોગ
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
પાટણ જિલ્લાના રાધનપુર શહેરની વલ્લભનગર પ્રાથમિક શાળામાં શિક્ષણને વધુ પ્રેરણાદાયક અને આધુનિક બનાવવાના પ્રયાસો અંતર્ગત એક અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. અહીં વિદ્યાર્થીઓને માત્ર પરિણામ આપવાની પરંપરાગત રીતને બદલે વિવિધ નવીન અને સર્જનાત્મક પગલાં દ્વારા શિક્ષણ પ્રત્યે રસ અને ઉત્સાહ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
શાળાના શિક્ષક પ્રજાપતિ પ્રતિકકુમાર તુલસીભાઈ દ્વારા વિદ્યાર્થીઓ માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. પરિણામ જાહેર કરતી વખતે દરેક વિદ્યાર્થીને સંભારણા સ્વરૂપે ભોજન માટેની પ્લેટ ગિફ્ટ આપવામાં આવી હતી, જે બાળકો માટે આનંદ અને ઉત્સાહનો વિષય બની રહ્યો હતો. આ પહેલથી વિદ્યાર્થીઓમાં શાળા પ્રત્યે વધુ લાગણી અને જોડાણ વધ્યું છે.
વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા વિકસે તે માટે તહેવારને અનુરૂપ રંગપૂરણી, ચિત્રકામ અને પ્રોજેક્ટ વર્ક જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકની બહાર પણ શીખવાની તક મળી હતી અને તેમની આંતરિક પ્રતિભાને ઉજાગર કરવાનો પ્રયાસ થયો હતો.
વિશેષ નોંધપાત્ર બાબત એ રહી કે, પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને પણ ધોરણ 10 અને 12 જેવી પરીક્ષા પદ્ધતિનો અનુભવ મળે તે માટે હોલ ટિકિટ આપવામાં આવી હતી. સાથે જ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ધોરણ 10-12 ની જેમ ઓનલાઈન રિઝલ્ટ જોવાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી, જે પ્રાથમિક સ્તરે એક નવીન અને પ્રશંસનીય પહેલ માનવામાં આવી રહી છે.તે ઉપરાંત, વિદ્યાર્થીઓને ફોટાવાળી, રંગીન અને આકર્ષક લેમિનેશન સાથેની માર્કશીટ આપવામાં આવી હતી, જે તેમને યાદગાર ભેટ સમાન બની રહી હતી. આ પ્રકારની વ્યવસ્થા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારવા અને શિક્ષણ પ્રત્યે સકારાત્મક દ્રષ્ટિકોણ વિકસાવવા માટે મદદરૂપ બની રહી છે.
શાળાની આ અનોખી પહેલે વિદ્યાર્થીઓ તેમજ વાલીઓમાં પણ ખુશી અને સંતોષનો માહોલ સર્જ્યો છે. શિક્ષક દ્વારા કરવામાં આવેલા આ પ્રયાસોને સ્થાનિક સ્તરે ખૂબ બિરદાવવામાં આવી રહ્યા છે.વલ્લભનગર પ્રાથમિક શાળાની આ નવીનતા દર્શાવે છે કે જો શિક્ષણમાં સર્જનાત્મકતા અને ટેક્નોલોજીનો સમન્વય કરવામાં આવે, તો નાના બાળકોમાં પણ શીખવાની ઉત્સુકતા વધારી શકાય છે. આ પ્રકારના પ્રયાસો ભવિષ્યમાં ગુણવત્તાસભર શિક્ષણ માટે માર્ગદર્શક સાબિત થઈ શકે છે.
રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર, પાટણ
