ઉનાળાના તાપમાં જીવદયાનું અનોખું ઉદાહરણ : ગોતરકા ખાતે કુંડા-ચકલીઘર વિતરણથી પક્ષીઓ માટે સંવેદનશીલ પહેલ

સંસ્થાઓના સંયુક્ત પ્રયાસથી પર્યાવરણ જાગૃતિનો સંદેશ : “પક્ષીઓ બચાવો” અભિયાનને મળ્યો મજબૂત ટેકો
કેપિટલ મેસેજ, ન્યુઝ
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગોતરકા ગામે ઉત્તર બુનિયાદી અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે તા. 11-એપ્રિલનાં રોજ ઉનાળાની અસહ્ય ગરમીમાં અબોલ પક્ષીઓ માટે જીવદયા અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારી દર્શાવતો કુંડા તથા ચકલીઘર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો .આ કાર્યક્રમ રોટરી ક્લબ ઓફ રાધનપુર, ભારત વિકાસ પરિષદ, ઉત્તર બુનિયાદી અને ઉચ્ચતર માધ્યમિક શાળા ગોતરકા તેમજ વઢિયાર પરગણા લોહાણા મહાજનના સહયોગથી આયોજિત કરવામાં આવ્યો હતો. પર્યાવરણપ્રેમી પ્રહલાદભાઈ તન્નાની પ્રેરણાથી યોજાયેલા આ કાર્યક્રમમાં ઉનાળાની તીવ્ર ગરમીમાં તરસતા અને નિવાસ વિનાના પક્ષીઓ માટે પાણી અને આશ્રયની વ્યવસ્થા કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ રાધનપુરના સેક્રેટરી કાંતિભાઈ નાઈ, જોઈન્ટ સેક્રેટરી તેમજ ભારત વિકાસ પરિષદના કારોબારી સભ્ય જયરાજસિંહ નાડોદા, કારોબારી સભ્ય મહેશ રાઠોડ, શાળાના પ્રિન્સિપાલ મુકેશભાઈ પટેલ સહિત પ્રશાંતભાઈ ત્રિવેદી, રણછોડભાઈ રબારી, હેતલબેન, મીનાક્ષીબેન, મીનાબેન, નબુબેન અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે જયરાજસિંહ નાડોદાએ “પક્ષીઓ બચાવો” અભિયાન અંતર્ગત પક્ષીઓના જીવનનું મહત્વ સમજાવી, ઉનાળામાં પાણીના કુંડા મૂકવા અને વૃક્ષારોપણ જેવા ઉપાયો દ્વારા પર્યાવરણનું સંરક્ષણ કરવાની અપીલ કરી હતી. સાથે જ વનતારા અંગે પણ માહિતગાર કરતા ઉપસ્થિતોમાં જાગૃતિ ફેલાવી હતી.આ કાર્યક્રમ દ્વારા માત્ર સામાજિક જવાબદારી જ નહીં પરંતુ પ્રકૃતિ પ્રત્યેની લાગણી અને સંવેદનશીલતા પણ પ્રગટ થઈ હતી, જેને કારણે સમગ્ર વાતાવરણમાં સેવા અને સંરક્ષણનો સંદેશ ગુંજી ઉઠ્યો હતો.
રિપોર્ટ: અનિલ રામાનુજ રાધનપુર, પાટણ
