પાટણના સમી પાસે અકસ્માત : ઈક્કો-છોટા હાથી વચ્ચે ટક્કર, આધેડનું મોત

સમી-હારીજ હાઇવે પર આઈશ્રી હોટલ સામે અકસ્માતમાં 2 બાળકો સહિત 4 ઇજાગ્રસ્ત – ઈજાગ્રસ્તોને પાટણ રીફર કરાયા
કેપિટલ મેસેજ, ન્યુઝ
પાટણ જિલ્લાના સમી નજીક સમી-હારીજ હાઇવે પર આવેલ આઈશ્રી હોટલ સામે ઈક્કો કાર અને છોટા હાથી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બંને વાહનો સામસામે જોરદાર અથડાતા અકસ્માત ગંભીર સ્વરૂપ ધારણ કર્યો હતો.
પ્રાથમિક માહિતી મુજબ વાહનોની ઝડપી ગતિને કારણે અથડામણ થઈ હોવાનું અનુમાન છે. અકસ્માતમાં ઈક્કો વાહનનો આગળનો ભાગ ચૂરચૂર થઈ ગયો હતો. આ ભયાનક અકસ્માતમાં ઈક્કોમાં સવાર એક આધેડ વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું મૃતક આધેડ સમી તાલુકાના બાસ્પાનુ હોવાનું જાણવા મળ્યું છે. મૃતક આધેડનુ નામ મોરવાડીયા જોધાભાઈ નાનજીભાઈ ઉંમર આશરે વર્ષ.53 ગામ બાસ્પા (મોહમદપુરા)નાં હોવાનું જાણવા મળ્યું છે.

આ અકસ્માતમાં ઈક્કોમાં મુસાફરી કરતા 2 બાળકો સહિત કુલ 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સમી સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે ખસેડવામાં આવ્યા હતા.ડોક્ટરો દ્વારા પ્રાથમિક સારવાર બાદ 3થી વધુ ઇજાગ્રસ્તોની હાલત નાજુક હોવાથી તેમને વધુ સારવાર અર્થે પાટણ ખાતે રીફર કરવામાં આવ્યા છે.અકસ્માતની જાણ થતાં સમી પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી .
રિપોર્ટ : અનિલ રામાનુજ, રાધનપુર (પાટણ)
