પાટણ ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી, સેવાકીય કાર્યો અને હર્ષોલ્લાસ સાથે અપાઈ ભાવાંજલી

કેપિટલ મેસેજ, ન્યુઝ
વિશ્વવિભૂતિ, ભારતીય બંધારણના ઘડવૈયા અને ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મ જયંતી નિમિત્તે પાટણ શહેરમાં ભારે ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળ્યો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાં બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરવા સાથે અનેક સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રતિમાને પુષ્પાંજલિ અને ભવ્ય સન્માન
કાર્યક્રમની શરૂઆતમાં પાટણ સ્થિત ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ગજરાજ (ફૂલોના હાર) પહેરાવી ભાવસભર પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભીમ અનુયાયીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આકાશમાં લહેરાતા પંચશીલ ધ્વજ અને “જય ભીમ”ના ગગનભેદી નારાઓથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
આ કાર્યક્રમમાં પાટણના સામાજિક આગેવાનો, વિવિધ સામાજિક સંગઠનોના હોદ્દેદારો, યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં જોડાયા હતા. ઉપસ્થિત અગ્રણીઓએ બાબાસાહેબના વિચારોને જીવનમાં ઉતારવા અને સમાજમાં એકતા તથા શિક્ષણનો વ્યાપ વધારવા પર ભાર મૂક્યો હતો.
સમગ્ર પાટણ શહેર આજે બ્લુ રંગમાં રંગાયેલું જોવા મળ્યું હતું અને શાંતિપૂર્ણ રીતે બાબા સાહેબના જન્મોત્સવની ભવ્ય રીતે ઉજવણી સંપન્ન થઈ હતી.
