સમી જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસમાં ડબલ મેન્ડેટ વિવાદનો અંત, રમેશ ઠાકોરને મળી સત્તાવાર માન્યતા

પ્રથમ મેન્ડેટને પ્રાથમિકતા: પ્રાંત અધિકારીના નિર્ણય બાદ કોંગ્રેસમાં શાંતિ અને રાજકીય ગરમાવો પડ્યો ઠંડો
કેપિટલ મેસેજ, ન્યુઝ
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીનાં પડઘમ વચ્ચે પાટણ જિલ્લામાં રાજકીય માહોલ જામ્યો છે.સમી જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસમાં ઊભી થયેલી ડબલ ફોર્મ અને મેન્ડેટની ગૂંચવણનો અંત આવી ગયો છે. એક જ પક્ષ દ્વારા બે ઉમેદવારોના ફોર્મ અને અલગ-અલગ મેન્ડેટ રજૂ થતાં પ્રાંત કચેરીમાં ક્યાંક ને ક્યાંક તંગ પરિસ્થિતિ સર્જાઈ હતી અને રાજકીય ગરમાવો તેજ બન્યો હતો. જોકે, પ્રાંત કચેરીએ પ્રાંત અધિકારીના અંતિમ નિર્ણય બાદ હવે સમગ્ર મામલો શાંત થયો છે.

મળતી માહિતી મુજબ કોંગ્રેસ તરફથી રમેશભાઈ ઠાકોર અને રણછોડભાઈ સિંધવ બંનેએ ઉમેદવારી નોંધાવી હતી. બંને ઉમેદવારો દ્વારા રજૂ કરાયેલા મેન્ડેટને લઈ કચેરીમાં ગૂંચવણ ઊભી થઈ હતી. ચકાસણી પ્રક્રિયા દરમિયાન મેન્ડેટના માન્યતા મુદ્દે વિવાદ ઉગ્ર બન્યો હતો, જેના પગલે બંને પક્ષના સમર્થકો મોટી સંખ્યામાં કચેરી ખાતે ઉમટ્યા હતા. આ કારણે કચેરી પરિસરમાં તંગદિલીભર્યું વાતાવરણ સર્જાયું હતું.
પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રાંત કચેરી દ્વારા નિયમ મુજબ સંપૂર્ણ ચકાસણી હાથ ધરવામાં આવી હતી. અંતે પ્રાંત અધિકારીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, નિયમો અનુસાર પ્રથમ રજૂ કરાયેલ મેન્ડેટને જ માન્યતા આપવામાં આવે છે. આ નિર્ણયના આધારે રમેશ ઠાકોરને સત્તાવાર ઉમેદવાર તરીકે માન્યતા આપવામાં આવી છે.

આ નિર્ણય બાદ વિવાદનો અંત આવ્યો છે, જોકે સમગ્ર ઘટનાક્રમ દરમિયાન રાજકીય માહોલ ગરમાયો હતો અને કોંગ્રેસના આંતરિક મતભેદો પણ ખુલ્લા પડ્યા હતા. બીજી તરફ, રણછોડભાઈ સિંધવ તરફથી આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.
ઘટનાક્રમ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સમી પોલીસ તંત્ર ખડેપગે તૈનાત રહ્યું હતું. પોલીસની સતર્કતાના કારણે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી અને પરિસ્થિતિ નિયંત્રણમાં રહી હતી.
હાલમાં સમગ્ર મામલો શાંત બન્યો છે અને પ્રાંત કચેરીના નિર્ણય બાદ કોંગ્રેસમાં ઉભો થયેલો આંતરિક વિવાદ સમાપ્ત થતાં રાજકીય ગરમાવો પણ ઠંડો પડ્યો છે.
રિપોર્ટ: અનિલ રામાનુજ રાધનપુર, પાટણ
