સિદ્ધપુરમાં ઐતિહાસિક વારસાના સંગ્રહનો અનોખો શોખ: 30 વર્ષથી દેશ-વિદેશના ચલણ અને પ્રાચીન દસ્તાવેજોનું જતન

કેપિટલ મેસેજ
Capital message
સિદ્ધપુર: ધાર્મિક અને ઐતિહાસિક નગરી તરીકે જાણીતા સિદ્ધપુરમાં આજે પણ અનેક લોકો પોતાની રીતે ઐતિહાસિક વારસાનું જતન કરી રહ્યા છે. શહેરના પટેલ લોકના મહાડ વિસ્તારમાં રહેતા પરેશકુમાર નવીનલાલ પાધ્યાને છેલ્લા 30 વર્ષથી જૂના સિક્કા, ચલણી નોટો, દેશ-વિદેશનું ચલણ અને પ્રાચીન દસ્તાવેજો એકત્ર કરવાનો અનોખો શોખ છે.
પરેશભાઈએ નાનપણથી જ જૂના સિક્કાઓ એકત્ર કરવાનું શરૂ કર્યું હતું. સમય જતાં આ શોખનું વિશાળ સંગ્રહમાં રૂપાંતર થયું. પોતાના સંગ્રહને વધુ સમૃદ્ધ બનાવવા માટે તેઓ દેશ-વિદેશમાં યોજાતા ઐતિહાસિક ચલણ અને વારસાની ચીજવસ્તુઓના પ્રદર્શનોની મુલાકાત લે છે અને પોતાની પાસે ન હોય તેવા સિક્કા તથા ચલણ સ્વખર્ચે ખરીદી સંગ્રહમાં ઉમેરે છે.
તેમના સંગ્રહમાં એક, બે, પાંચ, દસ અને વીસ રૂપિયાના વિવિધ સમયના સિક્કાઓ ઉપરાંત પંચમાર્ક સિક્કા, ચંદ્રગુપ્ત સમયના સિક્કા, ટીપુ સુલતાનના સમયના ફનમ, રાજા-રજવાડાના સમયના ચાંદીના સિક્કા, અંગ્રેજોના સમયના એક-બે પૈસાના સિક્કા તેમજ આઝાદી બાદના વિવિધ સમયના ચલણનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત ઈસ્ટ ઈન્ડિયા કંપનીના સમયથી લઈને આઝાદી પછીના વિવિધ વર્ષોની શ્રેણી મુજબના સિક્કાઓ, તાંબા અને એલ્યુમિનિયમના સિક્કા, અડધા આના, કાણો પૈસો, 50 પૈસાના સિક્કા તથા ઈન્દિરા ગાંધીના સમયના 10 અને 20 રૂપિયાના સિક્કા પણ તેમના સંગ્રહમાં જોવા મળે છે.
પરેશભાઈ પાસે ભારત ઉપરાંત નેપાળ, પાકિસ્તાન, શ્રીલંકા, દુબઈ અને અન્ય આરબ દેશો, ઈંગ્લેન્ડ, આફ્રિકા, ફ્રાન્સ, ચીન, ઓસ્ટ્રેલિયા અને અમેરિકા સહિતના દેશોનું ચલણ પણ સંગ્રહિત છે. વિવિધ દેશોની ચલણી નોટો અને સિક્કાઓમાં ઐતિહાસિક સમયની ઝલક જોવા મળે છે. તેમના સંગ્રહમાં અમેરિકન ડોલરથી લઈને આફ્રિકાના કોંગોના ચલણ સુધીની અનેક દુર્લભ ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે.
માત્ર સિક્કા અને ચલણી નોટો જ નહીં, પરંતુ પરેશભાઈએ જૂના કાપડ પર લખાયેલા દસ્તાવેજો, જમીન-મિલકત સંબંધિત પ્રાચીન દસ્તાવેજો તથા અન્ય ઐતિહાસિક વસ્તુઓનું પણ જતન કર્યું છે. હાથીદાંતની ચકલી, મોર અને રૂપિયા આકારની કલમ જેવી જૂની વસ્તુઓ પણ તેમના સંગ્રહમાં છે. 1862, 1865, 1874થી લઈને અત્યાર સુધીના વિવિધ સમયગાળાના સિક્કાઓને વર્ષવાર અને શ્રેણી પ્રમાણે સાચવવામાં આવ્યા છે.

પરેશભાઈ પાધ્યાએ જણાવ્યું હતું કે, “નાનપણથી જ મને જૂના સિક્કાઓ એકત્ર કરવાનો શોખ હતો. આજે આ શોખને 30 વર્ષ જેટલો સમય થયો છે. મારી ઈચ્છા છે કે આ ઐતિહાસિક વારસો માત્ર મારી પાસે જ સીમિત ન રહે, પરંતુ નવી પેઢી પણ જૂના સમયના ચલણ અને સિક્કાઓ વિશે જાણી શકે.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકાર અને મીડિયાના સહયોગથી તેમના સંગ્રહનું એક વિશેષ પ્રદર્શન યોજવામાં આવે તો આજની નવી પેઢીને રાજા-રજવાડાના સમયથી લઈને આઝાદી બાદના વિવિધ સમયના સિક્કા અને ચલણ વિશે માહિતગાર કરી શકાય. આવા પ્રદર્શનના માધ્યમથી ઐતિહાસિક વારસાને સાચવવા અને નવી પેઢી સુધી પહોંચાડવામાં પણ મદદ મળશે.
રિપોર્ટ.અનિલ રામાનુજ પાટણ
