ભારે વરસાદ બાદ માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય)ની ત્વરિત કામગીરીથી વિવિધ માર્ગો પર વાહનવ્યવહાર પૂર્વવત કરાયો

કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
પાટણ જિલ્લામાં તાજેતરમાં થયેલા ભારે વરસાદ અને વાવાઝોડાના કારણે જિલ્લાના વિવિધ માર્ગો પર વૃક્ષો ધરાશાયી થતાં વાહનવ્યવહારને અસર પહોંચી હતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખી માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા તાત્કાલિક રાહત કામગીરી હાથ ધરી માર્ગો પરથી પડેલા વૃક્ષો દૂર કરી વાહનવ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યો હતો.
વિભાગની ટીમોએ કંબોઈ–દેલમાલ રોડ, શિહોરી–પાટણ રોડ, લણવા વિસ્તાર, મણુદ વિસ્તાર, સંડેર–બાલીસણા રોડ તેમજ હારીજ–પાટણ રોડ સહિતના માર્ગો પર પહોંચી ભારે વરસાદ અને વાવાઝોડાના કારણે ધરાશાયી થયેલા વૃક્ષોને જરૂરી સાધનોની મદદથી દૂર કર્યા હતા. પરિણામે અસરગ્રસ્ત તમામ માર્ગો પર ટૂંકા સમયમાં અવરોધ દૂર કરી વાહનવ્યવહાર ફરી શરૂ કરવામાં આવ્યો હતો.
માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા વરસાદી પરિસ્થિતિ દરમિયાન જિલ્લાના મુખ્ય માર્ગો પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. માર્ગો પર કોઈપણ પ્રકારનો અવરોધ સર્જાય તો તેને તાત્કાલિક દૂર કરી જનસામાન્યને સરળ અને સુરક્ષિત વાહનવ્યવહારની સુવિધા મળી રહે તે માટે વિભાગ સતત કાર્યરત છે.
વિભાગની ઝડપી અને સુનિયોજિત કામગીરીના પરિણામે સ્થાનિક નાગરિકો અને વાહનચાલકોને પડતી મુશ્કેલીઓમાં નોંધપાત્ર રાહત મળી હતી.
