પાટણના આંબાપુરા ખાતે પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મની જિલ્લા કલેક્ટર ડો. પ્રશાંત જીલોવાની મુલાકાત

જિલ્લા કલેક્ટરએ પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે કરવામાં આવી રહેલા નવીન અને પ્રેરણાદાયી પ્રયાસોની પ્રશંસા કરી
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
જિલ્લા કલેક્ટર ડો. પ્રશાંત જીલોવાએ પાટણ તાલુકાના આંબાપુરા ગામે નિર્મલભાઈ ચીમનભાઈ પટેલના પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મની મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામોની વિસ્તૃત માહિતી મેળવી હતી.
મુલાકાત દરમિયાન ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તથા આત્મા (ATMA) યોજના અંતર્ગત ચાલી રહેલી વિવિધ પ્રવૃત્તિઓથી જિલ્લા કલેક્ટરને અવગત કરવામાં આવ્યા હતા. તેમણે મોડલ ફાર્મનું જીણવટપૂર્વક નિરીક્ષણ કરી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ, ગીર ગાયની ગૌશાળા, ગાય આધારિત કૃષિ ઉત્પાદનો અને તેના ઉત્પાદનની પ્રક્રિયા તેમજ પંચસ્તરીય પ્રાકૃતિક કૃષિ મોડલ અંગે વિગતવાર માહિતી મેળવી હતી.
જિલ્લા કલેક્ટરએ પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે કરવામાં આવી રહેલા નવીન અને પ્રેરણાદાયી પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે પ્રાકૃતિક કૃષિ માત્ર પર્યાવરણને અનુકૂળ ખેતી પદ્ધતિ જ નહીં, પરંતુ ખેડૂતોના ઉત્પાદન ખર્ચમાં ઘટાડો કરી આવકમાં વધારો કરવાની દિશામાં પણ અસરકારક માધ્યમ બની શકે છે. તેમણે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવી આત્મનિર્ભર અને ટકાઉ ખેતી તરફ આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા.
આ મુલાકાત દરમિયાન પ્રોજેક્ટ ડાયરેક્ટર, આત્મા તેમજ આત્મા યોજના અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
