વિકસિત ભારત સંકલ્પ@ ૨૦૪૭ અભિયાન- પાટણ ખાસ લેખ
૧૨ વર્ષ : વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના
ઉજ્જવલા યોજનાથી ૧,૪૮,૬૮૧ થી વધુ પરિવારોના ઘરમાં પહોંચ્યું સ્વચ્છ ઈંધણનું અજવાળું
વિકસિત ભારત સંકલ્પ અભિયાન હેઠળ સ્વચ્છ ઇંધણ દ્વારા મહિલા સશક્તિકરણને મળ્યો વેગ
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ છેલ્લા ૧૨ વર્ષ દરમિયાન ગરીબ અને વંચિત વર્ગના કલ્યાણ માટે અનેક લોક કલ્યાણકારી યોજનાઓ સફળતાપૂર્વક અમલમાં મૂકવામાં આવી છે. તે પૈકીની પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના મહિલાઓના આરોગ્ય, ગૌરવ અને સશક્તિકરણ માટે એક ક્રાંતિકારી યોજના સાબિત થઈ છે. વિકસિત ભારત સંકલ્પ અભિયાનના માધ્યમથી આ યોજનાનો લાભ વધુને વધુ પાત્ર પરિવારો સુધી પહોંચાડવાના પ્રયાસો સતત થઈ રહ્યા છે.
પાટણ જિલ્લામાં ઉજ્જવલા યોજના અંતર્ગત અત્યાર સુધીમાં ૧,૪૮,૬૮૧થી વધુ કુટુંબોને એલ.પી.જી. ગેસ કનેક્શન ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. પરિણામે હજારો પરિવારો પરંપરાગત ધુમાડાવાળા બળતણમાંથી મુક્ત થઈ સ્વચ્છ અને સુરક્ષિત રસોઈ વ્યવસ્થાનો લાભ લઈ રહ્યા છે.
ઉજ્જવલા યોજના હેઠળ વર્તમાન વર્ષ દરમિયાન લાભાર્થી પરિવારોને બે હપ્તામાં કુલ બે મફત ગેસ રિફિલ (બોટલ) આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રથમ હપ્તો ૧ એપ્રિલથી ૩૦ સપ્ટેમ્બર દરમિયાન અને બીજો હપ્તો ૧ ઓક્ટોબરથી ૩૧ માર્ચ દરમિયાન આપવામાં આવશે. આ સહાયથી ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોના ઘરખર્ચમાં રાહત મળશે તેમજ સ્વચ્છ ઊર્જાના ઉપયોગને વધુ પ્રોત્સાહન મળશે.
જિલ્લામાં હાલમાં ૧૮ ગેસ એજન્સીઓ દ્વારા ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને સેવા પૂરી પાડવામાં આવી રહી છે. લાભાર્થીઓને નિર્ધારિત સમયગાળા દરમિયાન મફત એલ.પી.જી. રિફિલ મેળવવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેના કારણે યોજનાનો લાભ વધુ અસરકારક રીતે લોકો સુધી પહોંચી રહ્યો છે.
ઉજ્જવલા યોજનાના અમલીકરણથી મહિલાઓના આરોગ્યમાં સુધારો, રસોઈ માટેના સમયની બચત, પર્યાવરણ સંરક્ષણ અને જીવનની ગુણવત્તામાં વધારો જોવા મળ્યો છે. ધુમાડામુક્ત રસોડાંના સંકલ્પને સાકાર કરતી આ યોજના મહિલાઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવનાર બની છે.
‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ’ના મંત્રને સાકાર કરતી ઉજ્જવલા યોજના આજે પાટણ જિલ્લાના હજારો પરિવારો માટે સુખ, સ્વાસ્થ્ય અને સન્માનનું પ્રતીક બની છે. વિકસિત ભારત@૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવામાં પણ આ યોજના મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે.
