પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી : ઉમેદવારીપત્રોની ચકાસણી પૂર્ણ: કુલ 751 ઉમેદવારીપત્રો માન્ય

કેપિટલ મેસેજ, ન્યુઝ
પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય તથા પેટા ચૂંટણી અંતર્ગત ઉમેદવારીપત્રોની ચકાસણી પ્રક્રિયા આજે તા. 13-04-2026ના રોજ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. ચકાસણી બાદ વિવિધ સંસ્થાઓ માટે ઉમેદવારીપત્રોની હાલની સ્થિતિ નીચે મુજબ નોંધાઈ છે.
જિલ્લામાં કુલ 223 વોર્ડ અને મતદાર મંડળ માટે કુલ 1017 ઉમેદવારીપત્રો ભરાયા છે. ચકાસણી દરમિયાન 266 ઉમેદવારીપત્રો અમાન્ય જાહેર થયા છે, જ્યારે 751 ઉમેદવારીપત્રો માન્ય ઠરાવવામાં આવ્યા છે.
2- નગરપાલિકા (સામાન્ય ચૂંટણી) માટે 20 વોર્ડમાં કુલ 246 ફોર્મ ભરાયા હતા, જેમાંથી 202 માન્ય અને 44 અમાન્ય ઠર્યા છે. 1- નગરપાલિકા (પેટા ચૂંટણી) માટે 1 વોર્ડમાં 4 ફોર્મ ભરાયા હતા, જેમાંથી 2 માન્ય અને 2 અમાન્ય રહ્યા છે.
9- તાલુકા પંચાયત (સામાન્ય ચૂંટણી) માટે 170 મતદાર મંડળમાં કુલ 623 ફોર્મ ભરાયા હતા, જેમાંથી 450 માન્ય અને 173 અમાન્ય ઠર્યા છે.
જિલ્લા પંચાયત (સામાન્ય ચૂંટણી) માટે 32 મતદાર મંડળમાં 32 કુલ 144 ફોર્મ ભરાયા હતા, જેમાંથી 97 માન્ય અને 47 અમાન્ય જાહેર થયા છે.
આગામી કાર્યક્રમ મુજબ ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ તા. 15-04-2026 છે. ત્યારબાદ મતદાન તા. 26-04-2026 (રવિવાર) ના રોજ સવારે 7:00 વાગ્યાથી સાંજે 6:00 વાગ્યા સુધી યોજાશે. જરૂરી જણાય તો પુનઃમતદાન તા. 27-04-2026ના રોજ યોજાશે. મતગણતરી તા. 28-04-2026ના રોજ હાથ ધરવામાં આવશે.
જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સમગ્ર પ્રક્રિયા નિષ્પક્ષ અને પારદર્શક રીતે સંપન્ન થાય તે માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.
