પાટણ ભાજપમાં ગાબડું: સંગીતાબેન રાવળ આમ આદમી પાર્ટીમાં જોડાયા

વોર્ડ નં. 1માં ઉમેદવારીની શક્યતા, AAP ને મળ્યો મજબૂત ચહેરો
કેપિટલ મેસેજ, ન્યુઝ
પાટણ શહેરની રાજનીતિમાં મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. પાટણ શહેર ભાજપના સક્રિય સભ્ય અને પાટણ નગરપાલિકા 2021ની ચૂંટણીમાં વોર્ડ નં. 1માંથી ઉમેદવાર રહી ચૂકેલા સંગીતાબેન રાકેશકુમાર રાવળે આજે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપી આમ આદમી પાર્ટી સાથે જોડાવાનો નિર્ણય કર્યો છે.
સંગીતાબેન રાવળે અગાઉની ચૂંટણીમાં 1500થી વધુ મત મેળવી પોતાની મજબૂત પકડ સાબિત કરી હતી. હવે તેઓ આમ આદમી પાર્ટીની ઇમાનદાર અને ક્રાંતિકારી વિચારધારાથી પ્રેરાઈને પાર્ટીમાં જોડાયા હોવાનું જણાવાયું છે.
રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે આવનારી નગરપાલિકા ચૂંટણીમાં વોર્ડ નં. 1માંથી આમ આદમી પાર્ટી તરફથી સંગીતાબેન રાવળ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરી શકે છે.
આ પ્રસંગે આમ આદમી પાર્ટીના નિકેશજી ઠાકોર તેમજ વોર્ડ નં. 5ના ઉમેદવાર હિતેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને સંગીતાબેનનું પાર્ટીમાં સ્વાગત કર્યું હતું.
સંગીતાબેનના પક્ષ પરિવર્તનથી પાટણ શહેર ભાજપમાં આંતરિક ગાબડું પડ્યાની ચર્ચાઓ રાજકીય મંડળોમાં જોર પકડી રહી છે.
