સમી પોલીસ સ્ટેશન પી.આઈ. દ્વારા દલિત મહોલ્લાની મુલાકાત,નાગરિકો સાથે સીધો સંવાદ

કેપિટલ મેસેજ, ન્યુઝ
પાટણ જિલ્લાના સમી મુકામે સમી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.પી. જાડેજા દ્વારા કાયદો વ્યવસ્થા જાળવણી ના ભાગ રૂપ સમી શહેરના મુજપુરી દરવાજા સ્થિત દલિત મહોલ્લાની મુલાકાત લેવામાં આવી હતી. સમી ગામમાં દલિત યુવાન પર થયેલા હુમલા બાદ ગામ માં તનાવ પૂર્ણ માહોલ વચે મુલાકાત દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા સ્થાનિક નાગરિકો સાથે સીધો સંવાદ સાધી તેમની સમસ્યાઓ અને પ્રશ્નો વિશે માહિતી મેળવી હતી.
આ મુલાકાત દરમ્યાન સ્થાનિક નાગરિકોએ પોતાના વિસ્તારની વિવિધ સમસ્યાઓ રજૂ કરી હતી. સમી મુજપુરી દરવાજા વિસ્તાર માં અસામાજિક તત્વો દ્વારા ગરીબ પ્રજા ના ઘરો ઉપર કરવામાં આવતી પથ્થર બાજી તેમજ દલિત મહોલ્લા ને ટાર્ગેટ કરી મિલકત ને નુકશાન, દલિત સમાજ ના લોકો ને અસામાજિક તત્વો દ્વારા ભય ભીત કરવા ખુલ્લે આમ દારૂ નું વેચાણ સહિત ના પ્રશ્નો જેના જવાબમાં સમી પોલીસ દ્વારા શાંતિપૂર્ણ અને સંતોષકારક પ્રતિભાવ આપવામાં આવ્યો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર જાડેજાએ વિસ્તારના અગ્રણી લોકો સાથે ચર્ચા કરી સમાજમાં સુલેહ અને શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ હંમેશા એલર્ટ હોવાનું જણાવ્યું હતું. સાથે જ યુવાનોને શિક્ષણ તરફ વધુ ધ્યાન આપવા અને જીવનને નુકસાનકારક પ્રવૃત્તિઓથી દૂર રહેવા પણ માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે પાટણ જિલ્લા તકેદારી સમિતિના સદસ્ય તેમજ સમી તાલુકા કાનૂની સેવા સત્તા મંડળના ન્યાય મિત્ર ભીખાલાલ એમ. પરમાર દ્વારા સમી મુજપુરી દરવાજા વિસ્તારના જાગૃત નાગરિકોની માંગ સાથે લેખિત રજૂઆત કરવામાં આવી હતી. જેમાં આ વિસ્તારના નાગરિકોને કાયમી સુરક્ષા મળે અને અસામાજિક તત્વોની અવરજવર બંધ થાય તે માટે મુજપુરી દરવાજા સ્થિત બાલક સાહેબ મંદિર વિસ્તાર ખાતે કાયમી પોલીસ બંદોબસ્ત ગોઠવવાની માંગ કરવામાં આવી હતી.
સાથે જ નાગરિકોની સુરક્ષા કરી ન્યાયપૂર્ણ કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી હતી.
રિપોર્ટ: સુરેશ પરમાર, સમી
