યુવાનોનું સશક્તિકરણ કેન્દ્ર: જિલ્લા રોજગાર કચેરી

નમો કૌશલ્ય લક્ષ્મી યોજના’થી પાટણ જિલ્લામાં ITI દીકરીઓને કૌશલ્ય અને આત્મનિર્ભરતાની નવી દિશા
નમો કૌશલ્ય લક્ષ્મી યોજના: અસરકારક અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા બજેટમાં ૪૦ કરોડ રૂપિયાની નોંધપાત્ર જોગવાઈ
રાજ્ય સરકારના રોજગારલક્ષી વિઝન હેઠળ પાટણ જિલ્લામાં વિવિધ યોજનાઓનો સફળ અમલ
પાટણ જિલ્લામાં વર્ષ ૨૦૨૫ દરમ્યાન રોજગાર અને કારકીર્દી માર્ગદર્શન ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિઓ
યુવાનોના સર્વાંગી વિકાસ માટે પાટણ જિલ્લા રોજગાર કચેરીના અસરકારક પ્રયાસો
રોજગાર ભરતી મેળા, તાલીમ અને માર્ગદર્શનથી પાટણ જિલ્લામાં યુવાનોને વ્યાપક લાભ
કેપિટલ મેસેજ, ન્યુઝ
ટેકનિકલ અને ઔદ્યોગિક શિક્ષણ ક્ષેત્રે મહિલાઓનું પ્રતિનિધિત્વ વધે અને તેઓ આત્મનિર્ભર બની રોજગારીની નવી તકો પ્રાપ્ત કરી શકે તેવા ઉમદા હેતુ સાથે રાજ્ય સરકારે એક મહત્વાકાંક્ષી પહેલ રૂપે ‘નમો કૌશલ્ય લક્ષ્મી યોજના’ની સત્તાવાર જાહેરાત કરી છે. રાજ્યની ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (ITI)માં વ્યવસાયિક અભ્યાસ કરતી તમામ દીકરીઓને પ્રોત્સાહન અને આર્થિક સહાય પૂરી પાડીને તેમને કૌશલ્ય વિકાસ તરફ પ્રેરિત કરવાનો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે.

યોજનાના સફળ અને અસરકારક અમલીકરણ માટે રાજ્ય સરકારે બજેટમાં ૪૦ કરોડ રૂપિયાની નોંધપાત્ર જોગવાઈ કરી છે, જેથી લાભાર્થી દીકરીઓ સુધી સીધો લાભ પહોંચે. આ પગલાથી યુવતીઓ કૌશલ્ય નિર્માણ ક્ષેત્રે આગળ વધશે, ઉદ્યોગોમાં તેમની ભાગીદારી વધશે અને મહિલાઓના સશક્તિકરણને નવી દિશા મળશે. જેના પરિણામે પાટણ જિલ્લામાં ITI માં અભ્યાસ કરતી દીકરીઓને સીધો લાભ મળશે અને તેઓ ટેકનિકલ ક્ષેત્રે આત્મવિશ્વાસ સાથે આગળ વધશે.
રાજ્ય સરકાર દ્વારા “યુવાનોને રોજગાર, કુશળતા અને સ્વાવલંબન”ના સ્પષ્ટ વિઝન સાથે અમલમાં મૂકવામાં આવેલી રોજગારલક્ષી નીતિઓ અને યોજનાઓના અસરકારક અમલના પરિણામે પાટણ જિલ્લામાં રોજગાર ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ નોંધાઈ છે. રાજ્ય સરકારના માર્ગદર્શન અને જિલ્લા પ્રશાસનની સક્રિય ભૂમિકા હેઠળ જિલ્લા રોજગાર કચેરી દ્વારા વર્ષ ૨૦૨૫ દરમિયાન વિવિધ રોજગાર, તાલીમ અને કારકીર્દી માર્ગદર્શન પ્રવૃત્તિઓ સફળતાપૂર્વક અમલમાં મૂકવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા યુવાનોને રોજગાર સાથે જોડવા માટે રોજગાર ભરતી મેળા, કેરિયર માર્ગદર્શન, લશ્કરી ભરતી માટે વિશેષ તાલીમ, તેમજ સરકાર–ખાનગી ક્ષેત્ર વચ્ચે સંકલન જેવી પહેલોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, જેના સકારાત્મક પરિણામો પાટણ જિલ્લામાં સ્પષ્ટપણે જોવા મળ્યા છે.

તા. ૦૧/૦૪/૨૦૨૫ થી ૩૧/૧૨/૨૦૨૫ (નાણાકીય વર્ષ) દરમિયાન જિલ્લામાં કુલ ૩,૭૦૮ રોજગાર વાંછુંક ઉમેદવારોની નામ નોંધણી કરવામાં આવી હતી. રાજ્ય સરકારના ઉદ્યોગલક્ષી અને રોજગાર પ્રોત્સાહન અભિગમ અંતર્ગત નોકરીદાતાઓ પાસેથી કુલ ૪,૪૬૩ ખાલી જગ્યાઓ મેળવવામાં આવી હતી, જેના પરિણામે ૨,૬૬૫ ઉમેદવારોને વિવિધ ક્ષેત્રોમાં રોજગારી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. યુવાનોને રોજગારના અવસર એક જ મંચ પર ઉપલબ્ધ કરાવવા હેતુથી કુલ ૧૮ રોજગાર ભરતી મેળાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાંથી ૧,૯૫૫ ઉમેદવારો પ્રાથમિક પસંદગી પામ્યા હતા.
રાજ્ય સરકારના “રાષ્ટ્રસેવામાં યુવાનોની ભાગીદારી વધારવા”ના વિઝન અંતર્ગત લશ્કરી ભરતી માટે સ્વામી વિવેકાનંદ નિવાસી તાલીમ વર્ગ યોજવામાં આવ્યો હતો, જેમાં કુલ ૩૦ ઉમેદવારોને શારીરિક તથા માનસિક તૈયારી માટે તાલીમ આપવામાં આવી હતી. આ ઉપરાંત, યુવાનોને યોગ્ય દિશા અને કારકીર્દી પસંદગી માટે ૨૪ કારકીર્દી માર્ગદર્શન સેમિનારોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ૪,૬૭૬ ઉમેદવારોએ ભાગ લીધો, તેમજ ૨૮૨ ઉમેદવારોને વ્યક્તિગત કેરિયર કાઉન્સિલિંગ આપવામાં આવ્યું હતું.

આ તમામ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે રાજ્ય સરકારના રોજગારલક્ષી વિઝન અને નીતિગત પહેલોના અસરકારક અમલ દ્વારા પાટણ જિલ્લામાં યુવાનોને રોજગાર, તાલીમ અને માર્ગદર્શન પૂરૂં પાડવામાં જિલ્લા રોજગાર કચેરીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. જિલ્લા પ્રશાસન દ્વારા ભવિષ્યમાં પણ રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ વધુ રોજગારલક્ષી પ્રવૃત્તિઓને વેગ આપી, યુવાનોને સ્વરોજગાર અને સ્થિર રોજગારીની વધુ તકો ઉપલબ્ધ કરાવવાના સતત પ્રયત્નો હાથ ધરવામાં આવશે.
પાટણ જિલ્લાના રોજગાર વાંચ્છુ ઉમેદવારોને વધુમાં વધુ તકો ઉપલબ્ધ થાય તે માટે જિલ્લા રોજગાર કચેરી સક્રિય રીતે કાર્યરત છે. ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ૩,૭૦૮ ઉમેદવારોની નોંધણી કરવામાં આવી છે તેમજ વિવિધ ઉદ્યોગો સાથે સંકલન કરીને ૪,૪૬૩ ખાલી જગ્યાઓ મેળવવામાં આવી છે, જેના પરિણામે ૨,૬૬૫ ઉમેદવારોને રોજગારી પ્રાપ્ત થઈ છે. ઉપરાંત ૧૮ રોજગાર ભરતી મેળા યોજી ૧,૯૫૫ ઉમેદવારોને પસંદગી અપાઈ છે અને ૨૪ કારકિર્દી માર્ગદર્શન સેમિનાર દ્વારા ૪,૬૭૬ યુવક-યુવતીઓને રોજગારલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
જિલ્લા રોજગાર અધિકારી ડી.કે. ભટ્ટ
