પાટણમાં વન્યપ્રાણીનો આતંક : 15થી વધુ લોકોને બચકાં ભર્યા

બાળકીનો ગાલ ફાડી ખાધો, વૃદ્ધાના માથાના વાળ સાથે ચામડી ખેંચી કાઢી; વૌવા ગામમાં ભયનો માહોલ
સાંતલપુરના વૌવા ગામે વહેલી સવારે હિંસક પ્રાણીનો હુમલો : નિંદ્રાધીન ગ્રામજનો સહિત ગાય-વાછરડાંને પણ બનાવ્યાં નિશાન, 15થી વધુ ઈજાગ્રસ્તોને ધારપુર હોસ્પિટલ ખસેડાયા
કેપિટલ મેસેજ
Capital message
પાટણ | સાંતલપુર
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વૌવા ગામે વહેલી સવારે એક અજાણ્યા હિંસક વન્યપ્રાણીએ આતંક મચાવતા સમગ્ર ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, રાત્રિના અંતિમ પહોરથી વહેલી સવાર સુધી વન્યપ્રાણીએ એક પછી એક ગ્રામજનો પર હુમલો કરી 15થી વધુ લોકોને બચકાં ભર્યા હતા. હુમલામાં 7 વર્ષની બાળકીના ગાલના ભાગે ગંભીર ઈજા થઈ હતી, જ્યારે એક વૃદ્ધા પર થયેલા હુમલામાં માથાના વાળ સાથે ચામડી ખેંચાઈ જતાં ગંભીર ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત અન્ય અનેક ગ્રામજનોને શરીરના જુદા-જુદા ભાગે બચકાં ભરતાં ગંભીર ઈજાઓ થઈ હતી. ઘટનાની જાણ થતાં ગ્રામજનોમાં અફરાતફરી મચી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ધારપુર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
‘મુક્કો મારી પુત્રને શિયાળના જડબામાંથી છોડાવ્યો’

હુમલાનો ભોગ બનેલા લક્ષ્મણભાઈ આહીરે જણાવ્યું હતું કે, વહેલી સવારે આશરે સાડા ચાર વાગ્યાના અરસામાં એક પ્રાણી તેમના ઘર તરફ આવ્યું હતું અને તેમના પુત્રને પકડી લીધો હતો. પુત્રને બચાવવા તેમણે પ્રાણીને મુક્કો મારતાં માંડ-માંડ પુત્રને છોડાવ્યો હતો. ત્યારબાદ પ્રાણીએ તેમના મોટાભાઈના જડબાના ભાગે પણ બચકાં ભર્યા હતા.
ત્યારબાદ આ પ્રાણી ઠાકોરવાસમાં ઘૂસી ગયું હતું અને ત્યાં છથી સાત લોકો પર હુમલો કર્યો હતો. રવેચીના મેદાનમાં સૂઈ રહેલા અન્ય લોકોને પણ તેણે નિશાન બનાવ્યા હતા. વહેલી સવાર સુધી પ્રાણીએ અલગ-અલગ સ્થળે લોકોને બચકાં ભરતાં ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો.
ભજનમાંથી પરત ફરેલી મહિલાને પણ મોઢાના ભાગે બચકું
સ્થાનિક મહિલાના જણાવ્યા મુજબ, વહેલી સવારે આશરે પાંચ વાગ્યે મંદિર ખાતે ભજનમાંથી પરત ફરી તેઓ પોતાના ઘર પાસે સૂતા હતા. તે દરમિયાન બાવળની ઝાડીઓમાંથી અચાનક એક પ્રાણી બહાર આવ્યું હતું અને તેમના મોઢાના ભાગે હુમલો કરી ગંભીર રીતે બચકું ભર્યું હતું. હુમલા બાદ પ્રાણી ત્યાંથી ભાગી ગયું હતું.
ઘટનાસ્થળે બાવળની કાંટાળી ઝાડીઓમાંથી જાળી નીચેથી પસાર થયેલા પ્રાણીના પગના નિશાન જોવા મળ્યા હતા. હુમલાના સ્થળે જમીન પર લોહીના નિશાન પણ જોવા મળ્યા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.
15થી વધુ ઈજાગ્રસ્તોને સારવાર, ત્રણની સ્થિતિમાં વધુ સારવાર ચાલુ

GMERS હોસ્પિટલ, ધારપુરના મેડિકલ ઓફિસર ડૉ. આકાશ પટેલે જણાવ્યું હતું કે, સવારે 6 વાગ્યાથી અત્યાર સુધીમાં આશરે 15 દર્દીઓ હોસ્પિટલમાં આવ્યા હતા, જેમને કોઈ પ્રાણીએ બચકાં ભર્યા હતા. તમામ દર્દીઓને જરૂરી ઇમ્યુનોગ્લોબ્યુલિન આપવામાં આવ્યા છે, જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત ત્રણ દર્દીઓની વધુ સારવાર ચાલુ છે.
ગાય અને વાછરડાં પર પણ હુમલો
મળતી માહિતી મુજબ, આ હિંસક પ્રાણીએ માત્ર ગ્રામજનોને જ નહીં પરંતુ ગામમાં ગાય અને વાછરડાંને પણ નિશાન બનાવ્યાં હતાં. ઘટનાને પગલે ગ્રામજનોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. ઈજાગ્રસ્ત અથવા સારવારની જરૂરિયાત ધરાવતા તમામ ગ્રામજનોને ગામના પાદરમાં આવેલી દૂધ ડેરી પાસે એકત્ર થવા જણાવાયું છે.
સ્થાનિક રહેવાસી દિલીપ ઠાકોરે જણાવ્યું હતું કે, આજે વહેલી સવારે આશરે પાંચ વાગ્યે દીવાલ ટપીને એક પ્રાણી ગામમાં આવ્યું હતું અને ગામના જમાઈને બચકું ભર્યું હતું. તેમને સારવાર માટે ધારપુર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે ગ્રામજનોને ખાસ કરીને રાત્રિના સમયે નાના બાળકોને ઘરની બહાર ન મોકલવા અપીલ કરી છે.
વન વિભાગે તપાસ શરૂ કરી, પ્રાણી શિયાળ હોવાની ચર્ચા
ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ તાત્કાલિક વૌવા ગામે પહોંચી હતી. વન વિભાગે ઘટનાસ્થળની તપાસ કરી પ્રાણીના પગના નિશાન મેળવ્યા હતા તેમજ સ્થાનિક લોકોની પૂછપરછ હાથ ધરી હતી.
સ્થાનિક RFO રાજેન્દ્રસિંહ વાઘેલાના જણાવ્યા મુજબ, મોટી સંખ્યામાં ગ્રામજનો ઈજાગ્રસ્ત થયા છે અને તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ગામમાં આતંક મચાવનાર પ્રાણી ચોક્કસ કયું હતું તે જાણવા વન વિભાગ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.
જોકે, સ્થાનિકોમાં હુમલો કરનાર પ્રાણી હડકાયેલું શિયાળ હોવાની ચર્ચા છે. પરંતુ વન વિભાગે હજુ સુધી હુમલો કરનાર પ્રાણી શિયાળ હોવાનું સત્તાવાર રીતે જાહેર કર્યું નથી. સ્થળ પરથી મળેલા પગના નિશાન તથા અન્ય તપાસના આધારે પ્રાણીની ઓળખ કરવામાં આવશે.

ગામમાં હજુ પણ આ પ્રાણી રખડતું હોવાની આશંકાને પગલે ગ્રામજનોમાં ભારે ભય જોવા મળી રહ્યો છે. વન વિભાગ દ્વારા પ્રાણીની શોધખોળ અને તેની ઓળખ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઈજાગ્રસ્તોની નામાવલી-
1. ગીતાબેન જગદીશભાઈ બોરીચા — 7 વર્ષ
2. વિપુલભાઈ કમાભાઈ કોળી — 8 વર્ષ
3. સાહિલ લક્ષ્મણભાઈ આહીર — 11 વર્ષ
4. કાંતિભાઈ જીવનભાઈ કોળી — 20 વર્ષ
5. પ્રભુભાઈ વજાભાઈ કોળી — 25 વર્ષ
6. સંતોકબેન બાબુભાઈ કોળી — 35 વર્ષ
7. લખુબેન સતાભાઈ રબારી — 40 વર્ષ
8. વજાભાઈ લીચાભાઈ આહીર — 45 વર્ષ
9. રૈયાબેન આલાભાઈ આહીર — 45 વર્ષ
10.હરદેવપુરી ભગવાનપુરી ગોસ્વામી -50 વર્ષ
11. ગલાલબેન શંકરજી ઠાકોર — 55 વર્ષ
12. ભચીબેન વાલાભાઈ આહીર — 55 વર્ષ
13. નોઘાભાઈ વિહાભાઈ કોળી — 60 વર્ષ
14. રામાભાઈ કેસાભાઈ ઠાકોર — 65 વર્ષ
15. રતીબેન મહાદેવભાઈ આહીર — 65 વર્ષ
16. ગીતાબેન ભરથભાઈ આહીર — ઉંમર ઉપલબ્ધ નથી
રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
