સિદ્ધપુર તાલુકાના મામવાડા ખાતે પાટણ વન વિભાગ દ્વારા ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ભવ્ય ઉજવણી: ‘વન કવચ’ ખાતે મહાનુભાવોની ઉપસ્થિતિ માં વૃક્ષારોપણ કરાયું

વર્ષ ૨૦૨૬ની થીમ “કુદરતથી પ્રેરિત આબોહવા માટે, આપણા ભવિષ્ય માટે” અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
‘એક પેડ મા કે નામ ૩.૦’ અભિયાન હેઠળ ૫૦થી વધુ વૃક્ષોનું વાવેતર અને ૧૫૦ રોપાઓનું વિતરણ કરાયું
મામલતદાર અને વન વિભાગના અધિકારીઓએ ગ્રામજનોને પર્યાવરણ મૈત્રીપૂર્ણ જીવનશૈલી અપનાવવા આહવાન કર્યું
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
પાટણ વન વિભાગ, વિસ્તરણ રેન્જ સિદ્ધપુર દ્વારા તારીખ ૦૫ જૂન, ૨૦૨૬ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સિદ્ધપુર તાલુકાના મામવાડા ખાતે વન કવચ ખાતે એક વિશેષ વૃક્ષારોપણ અને જનજાગૃતિ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
નાયબ વન સંરક્ષક,વન વિભાગ પાટણના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ આબોહવા પરિવર્તન (ક્લાઈમેટ ચેન્જ) અંગે સમાજમાં જાગૃતિ લાવવાનો અને હરિત તથા ટકાઉ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો હતો. ચાલુ વર્ષે આ ઉજવણી “કુદરતથી પ્રેરિત આબોહવા માટે, આપણા ભવિષ્ય માટે” ની વિશેષ થીમ આધારિત રાખવામાં આવી છે.
કાર્યક્રમના મુખ્ય અધ્યક્ષ અને મામલતદાર કે. કે. રણાવાસિયાએ પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, “વર્તમાન સમયમાં આબોહવા પરિવર્તન એ સમગ્ર વિશ્વ સામેનો સૌથી મોટો પડકાર છે. વધતું તાપમાન, અનિયમિત વરસાદ અને પાણીની અછત જેવી ગંભીર પરિસ્થિતિઓ સામે લડવા માટે દરેક નાગરિકે ઊર્જા બચત, મહત્તમ વૃક્ષારોપણ અને કચરાના યોગ્ય વ્યવસ્થાપન જેવી પર્યાવરણમૈત્રી આદતો પોતાના રોજિંદા જીવનમાં અપનાવવી અનિવાર્ય બની ગઈ છે.

આ પ્રસંગે રેન્જ ફોરેસ્ટ ઓફિસર બી.એ.સિંઘવે વન વિભાગ દ્વારા ચલાવવામાં આવતી વિવિધ ખેડૂતલક્ષી અને પર્યાવરણલક્ષી યોજનાઓ વિશે ગ્રામજનોને સવિસ્તાર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જ્યારે ગામના સરપંચ બળદેવસિંહ બારડે ગ્રામજનોને મામવાડા ગામને વધુ હરિયાળું બનાવવા અને મહત્તમ વૃક્ષો વાવી તેનું જતન કરવા આહવાન કર્યું હતું.
કાર્યક્રમ અંતર્ગત ‘એક પેડ મા કે નામ ૩.૦’ અભિયાન હેઠળ તમામ મહાનુભાવો અને ગ્રામજનોના હસ્તે ‘વન કવચ’ ખાતે વિવિધ પ્રજાતિના ૫૦થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ સાથે જ ઉપસ્થિત નાગરિકોને પર્યાવરણ જાળવણીના સંદેશ સાથે ૧૫૦ જેટલા રોપાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિતોએ ‘વન કવચ’નું નિરીક્ષણ કરી વિવિધ વનસ્પતિઓ અને રોપાઓની ઓળખ મેળવી હતી.
કાર્યક્રમની પૂર્ણાહુતિ વખતે શ્રી વી. એલ. દેસાઈ દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવો, વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને વૃક્ષારોપણ કરવા તેમજ પર્યાવરણના સંરક્ષણ અને સંવર્ધન માટે કટિબદ્ધ રહેવાના પવિત્ર સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં ઉપ સરપંચ રમેશભાઈ પ્રજાપતિ, તલાટી કમ મંત્રી મમતાબેન પટેલ, તેમજ વન વિભાગના અધિકારીઓ/કર્મચારીઓ સર્વ વી.એલ.દેસાઈ, એમ. વી. બારડ, એ. વી. રાજપૂત, વી. જે. ચૌધરી અને પી. એચ. પ્રજાપતિ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો, વડીલો અને વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.
