ચાણસ્મા : ધિણોજ નજીક રેતી પ્લાન્ટ પર કરંટ લાગતાં ટ્રકચાલકનું કરુણ મોત

કામ દરમિયાન હાઈટેન્શન વીજ લાઈનનો સ્પર્શ થતાં સર્જાઈ દુર્ઘટના; સારવાર દરમિયાન યુવકે દમ તોડ્યો, બે માસૂમ પુત્રીઓએ ગુમાવ્યો પિતાનો સાયો
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
પાટણ જિલ્લાનાં ચાણસ્મા તાલુકાના ધિણોજ ગામ નજીક આવેલા રેતીના પ્લાન્ટ પર કામ કરતી વખતે બનેલી કરુણ દુર્ઘટનામાં ટ્રકચાલકનું કરંટ લાગવાથી મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે. મૃતકની ઓળખ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના કંબોઈ ગામના 25 વર્ષીય કિશનજી ભેમાજી ઠાકોર તરીકે થઈ છે.
મળતી માહિતી મુજબ, કિશનજી ઠાકોર રેતી ભરેલી ટ્રક લઈને પ્લાન્ટ પર પહોંચ્યા હતા. ટ્રકમાંથી રેતી ખાલી કર્યા બાદ તેઓ રેતીના ઢગલા પર ચડીને રેતી સરખી કરવાની કામગીરી કરી રહ્યા હતા. તે દરમિયાન ઉપરથી પસાર થતી વીજ લાઈનનો અચાનક સ્પર્શ થતાં તેમને જોરદાર કરંટ લાગ્યો હતો. કરંટનો ઝાટકો એટલો પ્રચંડ હતો કે તેઓ ગંભીર રીતે દાઝી ગયા અને સ્થળ પર જ બેભાન થઈ પડ્યા હતા.
ઘટના બનતા પ્લાન્ટ પર હાજર કામદારો અને અન્ય લોકોએ તરત જ બચાવ કામગીરી હાથ ધરી હતી. ગંભીર હાલતમાં કિશનજીને તાત્કાલિક મહેસાણાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે હોસ્પિટલ પહોંચ્યા બાદ ફરજ પરના તબીબોએ તપાસ કરીને તેમને મૃત જાહેર કર્યા હતા.
ઘટનાની જાણ થતાં ચાણસ્મા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં કામ દરમિયાન વીજ લાઈનનો સ્પર્શ થતાં કરંટ લાગ્યાની વિગતો સામે આવી રહી છે. પોલીસે પંચનામું સહિતની કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
કિશનજી ઠાકોરના અચાનક અવસાનથી તેમના પરિવાર પર આભ ફાટી પડ્યું છે. તેઓ પોતાના પરિવારના મુખ્ય આધારસ્તંભ હતા. તેમના પરિવારમાં પત્ની ઉપરાંત એક વર્ષની અને ત્રણ વર્ષની એમ બે માસૂમ પુત્રીઓ છે. પિતાની છત્રછાયા ગુમાવતાં પરિવાર શોકમાં ગરકાવ થયો છે. ગામમાં પણ આ દુર્ઘટનાને લઈને ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે.
આ ઘટના બાદ રેતી પ્લાન્ટ સહિત જોખમી સ્થળોએ વીજ લાઈનોની સુરક્ષા અને કામદારો માટે જરૂરી સલામતીના નિયમોના કડક પાલનની માંગ ઉઠી રહી છે, જેથી આવી દુર્ઘટનાઓનું પુનરાવર્તન અટકાવી શકાય.
અહેવાલ : અનિલ રામાનુજ, રાધનપુર (પાટણ)
