પાટણના ખેડૂતોનો અનોખો ઉત્સાહ: અખાત્રીજના પવિત્ર મુહૂર્તે આધુનિક સાધનોના પૂજન સાથે નવા કૃષિ વર્ષનો થયો પ્રારંભ

કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
ખેતીપ્રધાન ગુજરાતમાં અખાત્રીજનું અનેરું મહત્વ છે, જેને ખેડૂતો નવા કૃષિ વર્ષની શરૂઆત તરીકે વધાવે છે. આ પરંપરાને જાળવી રાખતા પાટણ તાલુકાના અનાવાડા ગામે ખેડૂત મેહુલ પટેલના પરિવારે પરંપરા અને આધુનિકતાના સમન્વય સાથે કૃષિ પર્વની ઉજવણી કરી હતી.
અગાઉના સમયમાં જ્યાં હળ-બળદની પૂજા કરી ખેતીનો પ્રારંભ થતો હતો, ત્યાં હવે બદલાતા સમય સાથે પાટણના ખેડૂતોએ આધુનિક ખેતીના મુખ્ય સાધન એવા ટ્રેક્ટરનું પૂજન કરીને નવા વર્ષની શુભ શરૂઆત કરી હતી.
આજના આધુનિક યુગમાં પણ ખેડૂતોની ધરતી માતા પ્રત્યેની અગાધ શ્રદ્ધા અકબંધ છે. અનાવાડા ગામે મેહુલ પટેલના પરિવારે દીકરીઓના હસ્તે ટ્રેક્ટરને કંકુ-તિલક કરી, તેના પર લાલ નાડાછડી બાંધીને શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કર્યું હતું. ખેતરમાં ઉગમણી દિશાએ ધરતી માતાનું પૂજન કરી, સ્વસ્તિક દોરીને ગોળ-ધાણા વહેંચવામાં આવ્યા હતા.

ટ્રેક્ટર પર શ્રીફળ વધેરીને ખેતીના ઓજારોની આરતી ઉતારવામાં આવી હતી. આ અવસરે ખેડૂત પરિવારે કુદરત મહેરબાન રહે અને આગામી ચોમાસામાં ધરતી પુત્રોને મબલખ પાક મળે તેવી પ્રાર્થના કરી નવા વર્ષના શ્રીગણેશ કર્યા હતા. ખેતી પદ્ધતિ બદલાઈ હોવા છતાં, ખેડૂતોના હૃદયમાં ધરતી માતા પ્રત્યેની પૂજ્ય ભાવના આજે પણ અટલ છે, જે પાટણના ખેડૂતોની આ ઉજવણીમાં સ્પષ્ટપણે જોવા મળી હતી.
રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર, પાટણ
