મહિલા સુરક્ષા, સશક્તિકરણ અને શિક્ષણ માટે સંકલિત પ્રયાસોને વેગ આપવા બેઠક યોજાઈ

મહિલાઓની સુરક્ષા, સન્માન અને સ્વાવલંબન સુનિશ્ચિત કરવું આપણી સર્વોચ્ચ પ્રાથમિકતા છે: જિલ્લા કલેક્ટર ડૉ.પ્રશાંત જિલોવા
કેપિટલ મેસેજ
Capital message
નારી સશક્તિકરણને વધુ વેગ આપવા જિલ્લા કલેક્ટર ડૉ. પ્રશાંત જિલોવાના અધ્યક્ષસ્થાને આજે પાટણના ન્યૂ કોન્ફરન્સ હોલ ખાતે નારી વંદન ઉત્સવ-2026 અંતર્ગત ‘બેટી બચાવો, બેટી પઢાવો’ યોજના અને મિશન શક્તિ યોજના અન્વયે જિલ્લા દેખરેખ અને નિયંત્રણ સમિતિની બેઠક યોજાઈ.
બેઠકમાં ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા મિશન શક્તિ યોજના હેઠળ જાહેર કરાયેલી નવી માર્ગદર્શિકા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. નવી માર્ગદર્શિકા મુજબ રાજ્ય કક્ષાએ સ્ટેટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઑફ વુમન (SHEW) અને જિલ્લા કક્ષાએ ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઑફ વુમન (DHEW) ની કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા.
જિલ્લા કલેક્ટરએ જણાવ્યું કે મિશન શક્તિ યોજનાનો મુખ્ય હેતુ મહિલાઓને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવી તેમને સુરક્ષા, સશક્તિકરણ અને આત્મનિર્ભરતા તરફ આગળ વધારવાનો છે. સાથે જ મહિલાઓ માટે અમલમાં રહેલી વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે વધુમાં વધુ જાગૃતિ લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.

બેઠક દરમિયાન DHEW, BBBP (બેટી બચાવો, બેટી પઢાવો) અને OSC (વન સ્ટોપ સેન્ટર) સહિતની યોજનાઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવી. કલેક્ટરએ શિક્ષણ વિભાગ સાથે સંકલન કરી શાળા છોડી ગયેલી દીકરીઓ અને તેમના વાલીઓનો સંપર્ક કરી તેમને ફરીથી શાળામાં દાખલ કરવા વિશેષ અભિયાન હાથ ધરવા સૂચના આપી.
આ પ્રસંગે નારી વંદન ઉત્સવ-2026 અંતર્ગત શિક્ષણ, રમતગમત તથા અન્ય વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર દીકરીઓ તેમજ લાડલી દીકરી યોજનાના લાભાર્થીઓને જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે પ્રશસ્તિપત્ર અને કિટ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધિક્ષકના પ્રતિનિધિ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, જિલ્લા મહિલા અને બાળ અધિકારી, જિલ્લા રોજગાર અધિકારી, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર (ICDS), જિલ્લા હબ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી, વન સ્ટોપ સેન્ટર, DHEW, મહિલા સતામણી અધિનિયમ-2013 હેઠળની સમિતિના સભ્યો સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
