સમી તાલુકા પંચાયત કચેરીમાં ગંદકીનો કાળો ચહેરો : શૌચાલયોની દયનીય હાલતથી તંત્રની પોલ ખુલ્લી

ચૂંટણીના ધમધમાટ વચ્ચે સમી તાલુકા કચેરી ખાતે મૂળભૂત સુવિધાનો અભાવ : બે શૌચાલય છતાં ઉપયોગલાયક નહીં
કેપિટલ મેસેજ, ન્યુઝ
પાટણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ધમધમાટ વચ્ચે સમી તાલુકા પંચાયત કચેરીમાં ગંદકી અને બેદરકારીનું ચિંતાજનક દૃશ્ય સામે આવ્યું છે. જ્યાં એક તરફ ઉમેદવારો, રાજકીય પક્ષોના આગેવાનો અને સમર્થકો ઉમેદવારી નોંધાવવા મોટી સંખ્યામાં અવરજવર કરી રહ્યા છે, ત્યાં જ તાલુકા વિકાસ અધિકારીની કચેરીમાં આવેલા શૌચાલયોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે.
સ્થળ પર જોવા મળ્યા મુજબ શૌચાલયોમાં ગંદુ પાણી ભરાયેલું છે, પાણી ઓવરફ્લો થઈ બહાર ફેલાઈ રહ્યું છે તેમજ કચરાના ઢગલાઓ અને અસહ્ય દુર્ગંધના કારણે ત્યાં જવું મુશ્કેલ બન્યું છે. સ્વચ્છતા અંગે સરકારના દાવાઓ વચ્ચે આવી સ્થિતિ અનેક સવાલો ઉભા કરે છે.

ખાસ નોંધનીય બાબત એ છે કે કચેરીમાં બે શૌચાલય હોવા છતાં બંને ઉપયોગલાયક હાલતમાં નથી અને માત્ર દેખાવ પૂરતા જ બની ગયા છે. આવનાર નાગરિકો તેમજ ઉમેદવારો માટે આ પરિસ્થિતિ ગંભીર અસુવિધા ઉભી કરે છે.
ચૂંટણી જેવા મહત્વના સમયમાં પણ કચેરીમાં સફાઈ વ્યવસ્થાનો સંપૂર્ણ ભંગ જોવા મળી રહ્યો છે, જે તંત્રની ઉદાસીનતા દર્શાવે છે. ગંદકીની આવી સ્થિતિ છતાં જવાબદાર અધિકારીઓ દ્વારા કોઈ અસરકારક પગલાં લેવાયા નથી તેવો આક્ષેપ ઉઠી રહ્યો છે.

સ્વચ્છતા અભિયાનના નારા વચ્ચે તાલુકા પંચાયત કચેરીમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતાં તંત્રની કામગીરી પર સવાલો ઊભા થયા છે. હવે જોવાનું રહ્યું કે જવાબદાર અધિકારીઓ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે છે કે ફરી એકવાર આ મુદ્દે અવગણના જ કરવામાં આવશે.
રિપોર્ટ : અનિલ રામાનુજ, રાધનપુર (પાટણ)
