રાજુલાના હિંડોરણા ગામે નદીના પાણીમાં ડૂબી જવાથી પ્રૌઢનું મોત

કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
હિંડોરણા ગામ પાસે આવેલી ધાતરવડી નદીના પટમાં પાણીમાં ડૂબી જવાથી એક પ્રૌઢનું કરુણ મોત નીપજ્યાની ઘટના સામે આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, હિંડોરણા ગામના રહેવાસી અને મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા લાલજીભાઈ પથુભાઈ સોલંકી (ઉં.વ. ૫૬) નામના વ્યક્તિ હિંડોરણા ગામના પુલની બાજુમાં નદીના પટમાં કોઈ કારણોસર પાણીના ખાડામાં ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તેમને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ કમનસીબે તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
ઘટનાને પગલે સ્થાનિક પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મૃતક શ્રમિક પરિવારના હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માતે ડૂબી જવાથી મૃત્યુ થયું હોવાનું જણાઈ રહ્યું છે. આ અંગે વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી સ્થાનિક તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.
રિપોર્ટ: મહેશ બારૈયા, અમરેલી
