પાટણ જિલ્લામાં હોટલ/ગેસ્ટ હાઉસમાં PATHIK સોફ્ટવેર ફરજિયાત
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પાટણ દ્વારા સમગ્ર પાટણ જિલ્લામાં જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
પોલીસ અધિક્ષક, પાટણના પત્ર નં. LIB/જાહેરનામું/૪૨૫/૨૦૨૬ તા.૨૨/૦૪/૨૦૨૬ અન્વયે પ્રાપ્ત થયેલ ગુપ્તચર અહેવાલો અને અમુક બનાવોના આધારે બહારના જિલ્લાઓ, પરપ્રાંત તેમજ વિદેશથી આવતા કેટલાક અસામાજિક તત્વો હોટલ, ધાબા અને ગેસ્ટ હાઉસોમાં ગુપ્ત આશરો મેળવી જાહેર શાંતિ અને સલામતી માટે ખતરો ઉભો કરતા હોવાની બાબત ધ્યાને આવી છે.
આવા સંજોગોમાં હોટલ/ગેસ્ટ હાઉસ સંચાલકો દ્વારા રોકાણ માટે આવતા વ્યક્તિઓની ઓળખ અંગે પૂરતી માહિતી રાખવી અને પોલીસ તંત્રને સહકાર આપવો જરૂરી બન્યો છે. આથી તમામ હોટલ, લોજ, ધાબા તથા ગેસ્ટ હાઉસ સંચાલકોને રોકાણ માટે આવતા વ્યક્તિઓના માન્ય ઓળખપત્ર (ID Proof) મેળવવા તથા તેની નોંધ ફરજિયાત રાખવા સૂચના આપવામાં આવી છે.
જાહેરનામા મુજબ તમામ હોટલ અને ગેસ્ટ હાઉસ સંચાલકોએ પોતાના રીસેપ્શન કાઉન્ટર પર ઇન્ટરનેટ કનેક્ટિવિટી સાથે કમ્પ્યુટર વ્યવસ્થા રાખી પાટણ જિલ્લા પોલીસ દ્વારા તૈયાર કરાયેલ “PATHIK (Programme for Analysis of Traveler & Hotel Informatics)” સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવાનું રહેશે તેમજ મહેમાનોની તમામ એન્ટ્રીઓ રજીસ્ટર ઉપરાંત PATHIK સોફ્ટવેરમાં પણ નોંધવાની રહેશે.
અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પાટણ દ્વારા જાહેર કરવામાં આવેલ આ હુકમ તા.૩૦/૦૪/૨૦૨૬ થી તા.૨૮/૦૬/૨૦૨૬ સુધી અમલમાં રહેશે.
જાહેરનામાનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા કલમ-૨૨૩ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે પાટણ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ અથવા તેનાથી ઉપરના હોદ્દાના પોલીસ અધિકારીઓને કાર્યવાહી માટે અધિકૃત કરવામાં આવ્યા છે.
