સિદ્ધપુરમાં ગંદકીનું સામ્રાજ્ય: પોલીસ લાઈનથી કાકોશી ફાટક સુધી કચરાના ઢગલા, નગરપાલિકાની કામગીરી સામે ઉઠ્યા સવાલ

પોલીસ લાઈન, બુરહાની સ્કૂલ, હીરા માર્કેટ અને કાકોશી ફાટક ઓવરબ્રિજ વિસ્તાર દુર્ગંધથી ત્રસ્ત; સ્થાનિકોમાં રોષ
કેપિટલ મેસેજ
Capital message
સિદ્ધપુર શહેરમાં સ્વચ્છતા જાળવવાના દાવા વચ્ચે વાસ્તવિક સ્થિતિ ચિંતાજનક બની રહી છે. પોલીસ લાઈનથી બુરહાની સ્કૂલ અને કાકોશી ફાટક સુધીના મુખ્ય માર્ગ પર અનેક સ્થળોએ કચરો અને ગંદકીના મોટા ઢગલા જોવા મળી રહ્યા છે. લાંબા સમયથી સફાઈ ન થતાં સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ રહી છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓ, વિદ્યાર્થીઓ અને રોજિંદા અવરજવર કરતા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
ખાસ કરીને કાકોશી ફાટક ઓવરબ્રિજ નીચેનો વિસ્તાર ગંદકીનું કેન્દ્ર બની ગયો છે. આ વિસ્તાર શ્રમજીવી પરિવારોનો રહેણાંક વિસ્તાર હોવા ઉપરાંત નજીકમાં હીરા માર્કેટ તથા શૈક્ષણિક સંસ્થાઓ આવેલી હોવાથી દરરોજ મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહે છે. તેમ છતાં નિયમિત સફાઈ ન થતાં કચરાના ઢગલા સતત વધતા જઈ રહ્યા છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ અનેક વખત રજૂઆતો છતાં ગંદકી દૂર કરવા માટે કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. નગરપાલિકાના સફાઈ વિભાગ તેમજ સંબંધિત વોર્ડના નગરસેવકોની નજર આ સમસ્યા તરફ જતી નથી તેવી લાગણી લોકોમાં વ્યાપી રહી છે. શહેરના મુખ્ય માર્ગ પર આવી સ્થિતિ હોવા છતાં જવાબદાર તંત્રનું મૌન અનેક પ્રશ્નો ઊભા કરી રહ્યું છે.
રહેવાસીઓએ જણાવ્યું કે વરસાદી માહોલમાં કચરો અને ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે અને ચેપી રોગો ફેલાવાની પણ ભીતિ ઊભી થઈ છે. જો સમયસર સફાઈ નહીં થાય તો જાહેર આરોગ્ય માટે ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે.
સ્થાનિકોએ નગરપાલિકા તંત્રને તાત્કાલિક કચરાના તમામ ઢગલા દૂર કરવા, સમગ્ર માર્ગ પર નિયમિત સફાઈની વ્યવસ્થા કરવા, કચરો ફેંકનારાઓ સામે કાર્યવાહી કરવા તથા શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે અસરકારક આયોજન અમલમાં મૂકવાની માંગ કરી છે.
શહેરના નાગરિકો હવે સવાલ ઉઠાવી રહ્યા છે કે સ્વચ્છતા માટે કરાતી જાહેરાતો અને ખર્ચ છતાં રસ્તાઓ પર ગંદકીના ઢગલા કેમ જોવા મળે છે? જવાબદાર તંત્ર આ સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે લાવશે તેની રાહ લોકો જોઈ રહ્યા છે.
રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
