રાધનપુરમાં ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના નિવેદન સામે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ, પુતળા દહન પહેલા કોંગી કાર્યકરોની અટકાયત

ગેનીબેન ઠાકોર મુદ્દે ટિપ્પણીને લઈ કોંગ્રેસ રસ્તા પર, નાયબ કલેક્ટરને આવેદન સાથે કડક કાર્યવાહીની માંગ
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
પાટણ જિલ્લાના રાધનપુરમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા દ્વારા બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અંગે કરાયેલી ટિપ્પણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. આ મુદ્દે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને મોટી સંખ્યામાં કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા.કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ રાધનપુરમાં એકત્રિત થઈને નાયબ કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું. આવેદનમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે આ નિવેદનને મહિલાશક્તિનું અપમાન ગણાવવામાં આવ્યું હતું.

પૂતળા દહનનો પ્રયાસ, પોલીસની તાત્કાલિક કાર્યવાહી: આવેદનપત્ર આપ્યા બાદ કોંગ્રેસના કાર્યકરોએ ભાજપ અધ્યક્ષના પૂતળાનું દહન કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, પોલીસ તાત્કાલિક હરકતમાં આવી અને પૂતળા દહન અટકાવી દીધું હતું. ઘટનાસ્થળે તંગદિલીનો માહોલ સર્જાયો હતો.
પોલીસે સ્થિતિ કાબૂમાં લેવા માટે કેટલાક કોંગ્રેસ કાર્યકરોની અટકાયત પણ કરી હતી, જેના કારણે વિસ્તારમાં થોડીવાર માટે તણાવપૂર્ણ સ્થિતિ જોવા મળી હતી.

કોંગ્રેસે આ સમગ્ર ઘટનાને લઈને કડક વલણ દાખવ્યું છે અને ચેતવણી આપી છે કે જો ભાજપ પ્રદેશ અધ્યક્ષ દ્વારા માફી માંગવામાં નહીં આવે તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે. સાથે જ, ભાજપ અધ્યક્ષ સામે પોલીસ ફરિયાદ નોંધવાની પણ માંગ ઉઠાવવામાં આવી છે.રાધનપુરમાં સર્જાયેલી આ ઘટનાએ પાટણ જિલ્લામાં રાજકીય તણાવ વધુ તેજ બનાવ્યો છે અને આગામી દિવસોમાં આ મુદ્દે રાજકીય ઘમાસાણ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે
રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર, પાટણ
