રાધનપુરમાં વરસાદ બંધ થયાના 10 દિવસ બાદ પણ સર્વિસ રોડ પાણીમાં ગરકાવ, તંત્ર સામે ઉઠ્યા ગંભીર સવાલ

કેપિટલ મેસેજ
Capital message
રાધનપુર શહેરમાં વરસાદ બંધ થયાને 10 દિવસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં શહેરનો મહત્વનો સર્વિસ રોડ આજે પણ પાણીમાં ગરકાવ છે. પાણીના નિકાલમાં થયેલી બેદરકારીને કારણે રસ્તા પર મોટા ખાડા પડી ગયા છે અને વાહનચાલકો તેમજ વિદ્યાર્થીઓ માટે અકસ્માતનું જોખમ સતત વધી રહ્યું છે. સ્થાનિકો અને નગરસેવક જયાબેન ઠાકોરે તાત્કાલિક નિકાલની કરવાની માંગ ઉઠાવી છે.
રાધનપુર શહેરનો સર્વિસ રોડ છેલ્લા દસ દિવસથી વરસાદી પાણીમાં ડૂબેલો છે. અનેક સ્થળોએ હજુ પણ ઢીંચણસમા પાણી ભરાયેલા હોવાથી લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. વરસાદ બંધ થઈ ગયો હોવા છતાં પાણીનો નિકાલ ન થવાથી તંત્રની કામગીરી સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.
સતત પાણી ભરાયેલા રહેવાના કારણે સર્વિસ રોડ સંપૂર્ણ રીતે બિસ્માર બન્યો છે. રસ્તા પર મોટા ખાડા પડી ગયા છે, પરંતુ પાણી ભરાયેલા હોવાથી તે દેખાતા નથી. પરિણામે રોજ વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા હોવાના આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે.
આ માર્ગ બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને અમદાવાદ તરફ જવા માટેનો મહત્વપૂર્ણ સંપર્ક માર્ગ છે. 15થી વધુ સોસાયટીઓના રહેવાસીઓ અને 10થી વધુ ગામોના લોકો રોજ આ રસ્તાનો ઉપયોગ કરે છે. છતાં હજુ સુધી સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી.

સર્વિસ રોડ નજીક આવેલી આદર્શ વિદ્યાલયમાં અંદાજે 1,500 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. દરરોજ વિદ્યાર્થીઓને ગંદા પાણી વચ્ચેથી શાળાએ જવું પડે છે, જેના કારણે વાલીઓમાં ભારે ચિંતા ફેલાઈ છે. ગંદકી અને મચ્છરોના ઉપદ્રવથી આરોગ્ય પર પણ ગંભીર અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.
સ્થાનિકોનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆતો છતાં જવાબદાર વિભાગો માત્ર વચનો આપી રહ્યા છે, જ્યારે લોકો રોજ જોખમ વચ્ચે પસાર થવા મજબૂર બન્યા છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર ક્યારે જાગશે અને રાધનપુરના આ મહત્વના સર્વિસ રોડને પાણીમુક્ત બનાવી લોકોને રાહત આપશે.
રિપોર્ટ: અનિલ રામાનુજ | પાટણ
