પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલમાં લોકશાહી ઢબે વર્ગ પ્રતિનિધિ ચૂંટણી યોજાઈ…

વિધાર્થી કાળથી નેતૃત્વ અને જવાબદારીના ગુણો ખીલવવા માટે વર્ગ પ્રતિનિધિ ચૂંટણી આવશ્યક પ્રક્રિયા છે. – ડૉ. ઝેડ.એન.સોઢા
કેપિટલ મેસેજ
Capital message
પાટણ: વિદ્યાર્થીઓમાં શાળા કક્ષાએથી જ લોકશાહી, નેતૃત્ત્વ,જવાબદારી અને નાગરિક ફરજો જેવાં મૂલ્યોનું સિંચન થાય તથા સેવા અને સમર્પણ ભાવ જાગૃત કરવાના ઉમદા આશયથી શાળામાં ધો.9 થી 12ના વિદ્યાર્થીઓની વર્ગ પ્રતિનિધિ માટે ચૂંટણીનું સુવ્યવસ્થિત અને પારદર્શક પદ્ધતિથી સફળ આયોજન કરવામાં આવ્યું . દરેક ઉમેદવારે લોકશાહી ઢબે પોતાની આગવી શૈલીમાં મત માટે પ્રચાર કર્યો હતો.વર્ગખંડમાં વિજેતા બનેલ ઉમેદવારોમાંથી જી.એસ અને એલ.આર માટેની ચૂંટણી પ્રકિયા યોજાયેલ. ઉમેદવારોએ શાળાના વિકાસ, સ્વચ્છતા, શિસ્ત જાળવવા અંગેના પોતાના વિચારો રજૂ કરીને સહપાઠીઓ પાસે મત માંગ્યા હતા. ઉમેદવારને ઊગતો સૂર્ય, ટેબલ પંખો, ટ્રેક્ટર , બળદગાડું … જેવાં ચૂંટણી ચિહ્ન ફાળવવામાં આવેલ .પોલિંગ ઓફિસર અને પ્રિસાઇડિંગની હાજરીમાં શાંતિપૂર્વક મતદાન કરવામાં આવેલ.
મતદાન કર્યા બાદ ઉમેદવાર અને મતદાતા વિદ્યાર્થીઓની આંગળી પર અંકિત શાહીનું નિશાન પણ કરવામાં આવ્યું હતું, જેથી વાસ્તવિક ચૂંટણી પ્રક્રિયાનો તાદૃશ અનુભવ મેળવી શકાય. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીઓમાં અનન્ય ઉત્સાહ અને લોકશાહી ઢબે પોતાના પ્રતિનિધિ પસંદ કરવાનો ગર્વ સ્પષ્ટપણે છલકાતો હતો.
મતદાન પૂર્ણ થયા બાદ તમામ ઉમેદવારો અને શિક્ષક નિરીક્ષકોની હાજરીમાં અત્યંત પારદર્શક રીતે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. વિજેતા જાહેર થયેલા પ્રતિનિધિઓ, જી.એસ. (જનરલ સેક્રેટરી) અને એલ.આર. (લેડી. રીપ્રેઝન્ટેટિવ)ને શાળા પરિવાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.નવચૂંટાયેલા હોદ્દેદારોએ શાળાના નિયમોનું પાલન કરાવવા, શિસ્ત, સ્વચ્છતા અને વિવિધ શૈક્ષણિક તથા સહ-શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવવાના શપથ લીધા હતા.
શાળાના આચાર્ય ડૉ.ઝેડ એન.સોઢા , સુપરવાઈઝર હર્ષદભાઈ ડામોર અને ગમનભાઇ સુથાર અને શાળા કોઓર્ડિનેટ યોગેશભાઈ પટેલ સહિત સમગ્ર સ્ટાફે વિજેતા ઉમેદવારોને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી હતી… આ સમગ્ર ચૂંટણીનું સુંદર આયોજન તરીકે વિપુલભાઈ ચૌધરી અને ડૉ.દાનેશભાઈ મોદીએ ચૂંટણી કન્વીનર ની ભૂમિકા ભજવેલ.
