શિક્ષણવિદ્ ડૉ. જય ધ્રુવની વૈશ્વિક આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી સાથે પ્રેરણાદાયી મુલાકાત

શિક્ષણ, ઇનોવેશન અને સામાજિક પ્રભાવના સંશોધન પ્રયાસોને ગુરુદેવની પ્રશંસા અને આશીર્વાદ મળ્યા.
કેપિટલ મેસેજ
Capital message
શિક્ષણવિદ્ અને સંશોધક ડૉ. જય ધ્રુવએ વૈશ્વિક આધ્યાત્મિક ગુરુ અને માનવતાવાદી ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી સાથે એક અર્થપૂર્ણ અને પ્રેરણાદાયી મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન ગુરુદેવે ડૉ. જય ધ્રુવ દ્વારા શિક્ષણ ક્ષેત્રે કરવામાં આવી રહેલા પ્રયાસો, સંશોધન, ઇનોવેશન અને સામાજિક પ્રભાવ માટેની પહેલોની પ્રશંસા કરી તેમને વધુ કાર્ય કરવા પ્રોત્સાહિત કર્યા હતા.
ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીનું સમગ્ર જીવન સેવા, શિક્ષણ, માનવમૂલ્યો, શાંતિ અને સામાજિક પરિવર્તનને સમર્પિત રહ્યું છે. તેમના માર્ગદર્શન હેઠળ 1,350થી વધુ મફત શાળાઓ, યુવા સશક્તિકરણ, કૌશલ્ય વિકાસ, મહિલા સશક્તિકરણ, ગ્રામ વિકાસ, કુદરતી ખેતી, આરોગ્યસેવા, આપત્તિ રાહત, નશામુક્તિ અને ‘No to Drugs’ અભિયાન, જેલ સુધારણા, પર્યાવરણ સંરક્ષણ તથા નદી અને જળસ્રોતોના પુનર્જીવન સહિત વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે.
વિશ્વના 182 થી વધુ દેશોમાં માનવમૂલ્યો અને શાંતિનો સંદેશ પહોંચાડનાર ગુરુદેવને તેમના વૈશ્વિક યોગદાન બદલ પદ્મ વિભૂષણ સહિત અનેક આંતરરાષ્ટ્રીય સન્માનો અને 28 માનદ ડોક્ટરેટથી સન્માનિત કરવામાં આવ્યા છે. આધ્યાત્મિકતા સાથે શિક્ષણ અને સામાજિક સેવા જોડીને વૈશ્વિક સ્તરે પરિવર્તન લાવનાર તેઓ વિશ્વના પ્રભાવશાળી આધ્યાત્મિક અને માનવતાવાદી વ્યક્તિઓમાં સ્થાન ધરાવે છે.

મુલાકાત દરમિયાન ડૉ. જય ધ્રુવ દ્વારા શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે કરવામાં આવતી વિવિધ પહેલો અંગે પણ ચર્ચા થઈ હતી. ગુરુદેવે તેમના પ્રયાસોની પ્રશંસા કરી અને યુવાનો સાથે જોડાયેલી તેમની પહેલોને આગળ વધારવા માટે પોતાના યુવા કાર્યક્રમો સાથે સંપર્કમાં રહેવા પ્રોત્સાહિત કર્યા. આ પ્રોત્સાહન ડૉ. જય ધ્રુવ માટે વિશેષ પ્રેરણારૂપ બન્યું છે.
મુલાકાતને વધુ ભાવસભર બનાવતી ક્ષણે ગુરુદેવે પોતાનું પુસ્તક અને ખેસ પહેરાવીને આશીર્વાદ આપી ડૉ. જય ધ્રુવને પ્રોત્સાહિત કર્યા હતા. ગુરુદેવ તરફથી મળેલું આ પુસ્તક અને આશીર્વાદ માત્ર સન્માન નહીં પરંતુ સતત શીખવા, સંશોધન કરવા અને સમાજ માટે વધુ સારું કાર્ય કરવાની પ્રેરણા બની રહ્યા છે.
આ મુલાકાત અંગે ડૉ. જય ધ્રુવે જણાવ્યું કે, “ગુરુદેવ જેવા વૈશ્વિક વ્યક્તિત્વ સાથે સમય વિતાવવો મારા માટે માત્ર એક મુલાકાત નહીં પરંતુ જીવન અને સેવાના માર્ગને વધુ ઊંડાણથી સમજવાનો અવસર હતો. તેમના પ્રોત્સાહન અને આશીર્વાદથી શિક્ષણ, સંશોધન, ઇનોવેશન અને યુવા સશક્તિકરણ માટે વધુ જવાબદારી અને ઉર્જા સાથે કાર્ય કરવાની પ્રેરણા મળી છે.”
શિક્ષણથી સંશોધન સુધી, ઇનોવેશનથી સામાજિક પરિવર્તન સુધી—ડૉ. જય ધ્રુવના પ્રયાસોને ગુરુદેવનું પ્રોત્સાહન નવી દિશા અને નવી ઊર્જા આપનાર બની રહ્યું છે.
