– લેખક: ડૉ. ધનરાજ કાંતિલાલ ઠક્કર (રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા અને આચાર્ય, શેઠ એમ.એન. હાઈસ્કૂલ – પાટણ)
શિક્ષકથી ગુરુ સુધી…
શિક્ષક દિનની અભિવંદના… શિક્ષકને કે ગુરુને?
મારા જીવનના તમામ ગુરુઓને કોટી કોટી વંદન…
AI જ્ઞાન આપે છે, તો દિશા કોણ આપશે?
આ લેખ વાંચી રહેલા સૌને મારો એક પ્રશ્ન છે—શું તમને તમારા શાળાજીવનના બધા શિક્ષકોનાં નામ આજે પણ યાદ છે?…
કદાચ બધા નામ યાદ ન હોય. વર્ષો વીતી જાય છે, ધોરણો બદલાય છે, શાળા છૂટી જાય છે અને પાઠ્યપુસ્તકોનાં પાનાં પણ પાછળ રહી જાય છે. છતાં કોઈ એક ચહેરો, કોઈ એક અવાજ, કોઈ એક વાક્ય કે કોઈ એક પ્રસંગ આજે પણ અચાનક યાદ આવી જાય છે. શિક્ષકે ભણાવેલો પાઠ કદાચ ભૂલાઈ જાય, પરંતુ મુશ્કેલીના સમયે આપેલો આત્મવિશ્વાસ, નિષ્ફળતા પછી આપેલું પ્રોત્સાહન કે જીવનના કોઈ વળાંકે આપેલી નાની એવી સલાહ વર્ષો સુધી સાથે રહે છે.
કદાચ અહીંથી જ એક શિક્ષક ધીમે ધીમે ગુરુ બની જાય છે.
ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન હંમેશાં વિશેષ રહ્યું છે. ગુરુકુળની પરંપરામાં શિક્ષણ માત્ર વિષયજ્ઞાન પૂરતું નહોતું. જ્ઞાન સાથે શિસ્ત, સંયમ, કર્તવ્ય, વિનમ્રતા અને જીવન જીવવાની સમજ પણ શિક્ષણનો જ ભાગ હતી. શ્રીરામને વશિષ્ઠ અને વિશ્વામિત્ર જેવા ગુરુઓ મળ્યા અને શ્રીકૃષ્ણે સાંદીપનિ ઋષિના આશ્રમમાં શિક્ષણ મેળવ્યું—આ પરંપરા આપણને યાદ અપાવે છે કે શિક્ષણ માત્ર જાણકારી મેળવવાનું નામ નથી; જીવનને ઘડવાનું પણ નામ છે.
આ વાત કરતાં મને મારા પોતાના જીવન તરફ પણ જોવું પડે છે. જ્યારે હું શાળામાં ભણતો હતો ત્યારે મારા પિતાશ્રી એક સામાન્ય ચાની લારી ચલાવીને અમને ભણાવતા હતા. પરિવારની પરિસ્થિતિ એવી હતી કે પાટણથી કુણઘેર જવા માટેનું બસનું સામાન્ય ૨૫ પૈસાનું ભાડું પણ ક્યારેક મોટી વાત લાગતું. મારા પિતાશ્રી માટે હું આગળ જઈને શું ભણું, કઈ દિશામાં જાઉં કે જીવનમાં શું કરું—તેનું માર્ગદર્શન આપવાની સ્થિતિ નહોતી. પરંતુ મારા જીવનમાં એવા શિક્ષકો અને ગુરુઓ આવ્યા, જેમણે મને માત્ર ભણાવ્યો નહીં, જીવનની દિશા પણ બતાવી.
શું ભણવું અને કેવી રીતે ભણવું એ તો તેમણે શીખવ્યું જ, પરંતુ જીવનમાં આવતી નાની-મોટી મુશ્કેલીઓનો સામનો કેવી રીતે કરવો, પ્રશ્નોનું સમાધાન કેવી રીતે શોધવું અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કેવી રીતે લેવો—આ શીખ પણ મને મારા ગુરુઓ પાસેથી મળી. મારી પ્રગતિના દરેક તબક્કે તેમનું પ્રોત્સાહન, પ્રેરણા અને માર્ગદર્શન મારી સાથે રહ્યું. રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન મળ્યું ત્યારે પણ તેની પાછળ વર્ષોથી મળતું આ માર્ગદર્શન અને પ્રેરણાનું મોટું બળ હતું.
આજે પાછળ વળીને જોઉં છું ત્યારે સમજાય છે કે મારી પરિસ્થિતિ કદાચ સામાન્ય હતી, પરંતુ મને મળેલું માર્ગદર્શન અસાધારણ હતું. જો જીવનના એ તબક્કે આવા ગુરુઓ મળ્યા ન હોત, તો કદાચ મારી જિંદગીની દિશા કંઈક બીજી જ હોત. આજે હું જે કંઈ છું, તેમાં મારા પરિવારની સાથે મારા શિક્ષકો અને ગુરુઓનો સવિશેષ ફાળો છે. ક્યારેક વિચાર આવે છે—જે સમયની શરૂઆતમાં ૨૫ પૈસાનું બસ ભાડું પણ મુશ્કેલ લાગતું હતું, આજે એ જ સફર ગુજરાત સરકાર તરફથી મળેલા આજીવન મફત બસ મુસાફરીના કાર્ડ સુધી આવી પહોંચી છે. મારા માટે આ માત્ર સફળતાની વાત નથી; આ સાચા માર્ગદર્શનથી જીવનની દિશા કેવી રીતે બદલાઈ શકે તેનું જીવંત ઉદાહરણ છે.
આ કૃતજ્ઞતાની પાછળ મારા જીવનના કેટલાક વિશેષ ગુરુઓનાં નામ આજે ખાસ યાદ આવે છે— ડૉ. કાનજીભાઈ વી. પટેલ, ડૉ. લીલાબેન દેવડા અને ચંદુભાઈ સ્વામી તેમણે મને માત્ર વિષયનું જ્ઞાન આપ્યું નથી; તેમના વ્યક્તિત્વ, કાર્યશૈલી અને જીવન પ્રત્યેના અભિગમમાંથી પણ ઘણું શીખવા મળ્યું છે. તેમની શીખ આજે પણ મારા જીવનમાં ક્યાંકને ક્યાંક સાથે ચાલે છે.
આ ત્રણ નામ વિશેષરૂપે યાદ આવે છે એનો અર્થ મારા જીવનમાં આવેલા અન્ય શિક્ષકો કે ગુરુઓનું યોગદાન ઓછું છે એવો બિલકુલ નથી. મારા જીવનના ઘડતરમાં દરેક શિક્ષકનો કોઈને કોઈ રીતે ફાળો રહ્યો છે. કોઈએ વિષયનું જ્ઞાન આપ્યું, કોઈએ વિચારવાની દૃષ્ટિ આપી, કોઈએ આત્મવિશ્વાસ વધાર્યો તો કોઈએ જીવનના કોઈ તબક્કે સાચો માર્ગ બતાવ્યો. જીવનની સફરમાં મળેલા દરેક શિક્ષક અને ગુરુ પ્રત્યે હું હંમેશાં કૃતજ્ઞ રહીશ. પરંતુ કેટલીક વ્યક્તિઓ આપણા જીવન પર એવી વિશેષ છાપ છોડી જાય છે કે વર્ષો પછી પણ તેમનું નામ માત્ર યાદ નથી આવતું, તેમની શીખ પણ આપણી સાથે ચાલતી રહે છે.
એટલે જ આજના શિક્ષક દિને મારા જીવનની દિશા બદલનાર એવા ગુરુઓને યાદ કર્યા વિના રહી શકું તેમ નથી. તેમણે મને માત્ર ભણાવ્યું નથી; તેમણે મને જીવન જીવવાની સાચી દિશા આપી છે. આવા મારા તમામ ગુરુજીઓને આજે નત મસ્તક વંદન… પ્રણામ…
સમય બદલાયો છે. આજે ટેક્નોલોજી આપણા જીવનનો અભિન્ન ભાગ બની ગઈ છે. AIનો જમાનો છે. કોઈ પ્રશ્ન પૂછે અને ક્ષણોમાં જવાબ મળી જાય. કોઈ વિષય સમજવો હોય, માહિતી મેળવવી હોય કે કંઈક નવું શીખવું હોય—AI ઘણી મદદ કરી શકે છે. પરંતુ એક પ્રશ્ન અહીં પણ ઊભો થાય છે—
AI જ્ઞાન આપે છે, પરંતુ દિશા કોણ આપશે?
જવાબ કદાચ ફરીથી શિક્ષક પાસે જ લઈ જાય છે. કારણ કે માહિતી મેળવવી સરળ બની શકે છે, પરંતુ જીવનમાં શું યોગ્ય છે, મુશ્કેલીમાં હિંમત કેવી રીતે રાખવી, નિષ્ફળતા પછી ફરી ઊભા કેવી રીતે થવું અને પોતાની ક્ષમતાને યોગ્ય દિશામાં કેવી રીતે વાપરવી—આ શીખ માત્ર માહિતીથી મળતી નથી. અહીં શિક્ષકનો માનવીય સ્પર્શ, સમજ અને માર્ગદર્શન પોતાની આગવી ભૂમિકા ભજવે છે.
5 સપ્ટેમ્બર—શિક્ષક દિન. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, મહાન શિક્ષણવિદ્ અને તત્ત્વચિંતક ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ. આ દિવસ માત્ર શિક્ષકોને શુભેચ્છા પાઠવવાનો દિવસ નથી; આપણા જીવનમાં શિક્ષકનું સ્થાન શું રહ્યું છે અને શિક્ષણ આપણને ક્યાં સુધી લઈ ગયું છે તે વિચારવાનો પણ દિવસ છે.
આ દિવસે વિદ્યાર્થીઓ પોતાના પ્રિય શિક્ષકોને યાદ કરે છે, પરંતુ કદાચ શિક્ષકો માટે પણ પોતાના ગુરુઓને યાદ કરવાનો આ સુંદર અવસર છે. ક્યારેક આપણે પોતાને પૂછીએ—“મારા વિદ્યાર્થીઓ મને ક્યારે યાદ કરશે? અને શા માટે યાદ કરશે?”
આપણે એવા શિક્ષક બનીએ કે વિદ્યાર્થી પોતાના અભ્યાસકાળના જે ત્રણ-ચાર શિક્ષકોને જીવનભર યાદ રાખે, એમાં આપણું નામ પણ હોય. તેના માટે હંમેશાં મોટી વાત કરવાની જરૂર નથી. ક્યારેક એક સાચી વાત, મુશ્કેલીમાં આપેલો સાથ, નિષ્ફળતા પછી આપેલો વિશ્વાસ કે વિદ્યાર્થીની ક્ષમતામાં મૂકેલી શ્રદ્ધા પણ જીવનભરની યાદ બની જાય છે.
શિક્ષક પોતે પણ એક પાઠ્યપુસ્તક હોય છે. વિદ્યાર્થી માત્ર શિક્ષક શું ભણાવે છે એટલું જ નથી જોતો; શિક્ષક કેવી રીતે વર્તે છે, કેવી રીતે વાત કરે છે, મુશ્કેલીમાં કેવી રીતે ઊભો રહે છે અને પોતાના કાર્ય પ્રત્યે કેટલો પ્રામાણિક રહે છે—એ બધું પણ શીખતો હોય છે. એટલે શિક્ષકનું જીવન પણ ઘણી વખત વિદ્યાર્થી માટે મૌન શિક્ષણ બની જાય છે.
આજનો વિદ્યાર્થી આવતીકાલનો વૈજ્ઞાનિક, ડૉક્ટર, શિક્ષક, સૈનિક, અધિકારી, ઉદ્યોગસાહસિક કે જવાબદાર નાગરિક બનશે. એટલે વર્ગખંડમાં આપવામાં આવતું શિક્ષણ માત્ર એક વિદ્યાર્થી સુધી અટકતું નથી; તે આગળ જઈને પરિવાર, સમાજ અને દેશના ભવિષ્યને પણ સ્પર્શે છે.
અને અંતે આવે છે ગુરુદક્ષિણા…
શિક્ષક દિન નિમિત્તે ફૂલ, શુભેચ્છા, ભેટ કે અભિનંદન—આ બધું પ્રેમ અને આદરનાં સુંદર પ્રતીક છે. પરંતુ સાચી ગુરુદક્ષિણા કદાચ એ છે કે ગુરુએ આપણા જીવનમાં રોપેલા સારા વિચારો અને મૂલ્યોને આપણે આપણા જીવનમાં જીવંત રાખીએ. સારા માણસ બનીએ, બીજાના જીવનમાં ઉપયોગી બનીએ અને જ્યાં શક્ય હોય ત્યાં કોઈને આગળ વધવામાં મદદ કરીએ.
ગુરુદક્ષિણા ગુરુના ચરણોમાં મૂકેલી કોઈ વસ્તુનું નામ નથી; ગુરુએ આપણા જીવનમાં રોપેલા સારા મૂલ્યોને જીવનભર જીવવાનું નામ ગુરુદક્ષિણા છે.
જીવનમાં મળેલા દરેક શિક્ષકને યાદ કરીએ. જેમણે આપણને અક્ષરજ્ઞાન આપ્યું તેમને પણ અને જેમણે જીવનને સમજવાની દૃષ્ટિ આપી તેમને પણ. કારણ કે કેટલાક શિક્ષકો શાળા છોડ્યા પછી પાછળ રહી જાય છે… અને કેટલાક આપણી અંદર જ રહી જાય છે.
શિક્ષકથી ગુરુ સુધીની આ યાત્રા જ કદાચ શિક્ષણની સૌથી સુંદર સિદ્ધિ છે…
આજના દિવસે તમામ ગુરુઓને શિક્ષક દિનની હાર્દિક શુભકામનાઓ… કોટી કોટી વંદન… પ્રણામ…
