શેઠ એમ. એન. હાઈસ્કૂલમાં શિક્ષક દિનની થઈ અનોખી ઉજવણી : 100 વિદ્યાર્થીઓ બન્યા એક દિવસ માટે ‘બાળ-શિક્ષક’
આચાર્યની ખુરશી પર એક દિવસ માટે વિદ્યાર્થી! – પટેલ પ્રથાએ સંભાળી આચાર્યની જવાબદારી
‘શિક્ષક બનવાથી જ શિક્ષકની મહેનત અને જવાબદારીનો સાચો અનુભવ થાય છે’ – આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કર
કેપિટલ મેસેજ
Capital message
ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શેઠ એમ. એન. હાઈસ્કૂલ, પાટણ ખાતે શિક્ષક દિનની અનોખી અને પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી. શિક્ષક દિન નિમિત્તે વિદ્યાર્થીઓને એક દિવસ માટે શિક્ષક, આચાર્ય, સુપરવાઇઝર તથા સેવક તરીકેની વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ ઉત્સાહ, શિસ્ત અને જવાબદારીપૂર્વક પોતાની ભૂમિકા નિભાવી સમગ્ર દિવસને યાદગાર બનાવ્યો હતો.
શાળાના કુલ આશરે 900 વિદ્યાર્થીઓમાંથી 100 વિદ્યાર્થીઓએ સ્વેચ્છાએ આ પ્રવૃત્તિમાં ભાગ લીધો હતો. જેમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગના 40 અને માધ્યમિક વિભાગના 50 વિદ્યાર્થીઓએ એક દિવસ માટે શિક્ષક તરીકે શિક્ષણકાર્ય કર્યું હતું, જ્યારે 12 વિદ્યાર્થીઓએ સેવક તરીકેની જવાબદારી નિભાવી હતી. ધોરણ 12 આર્ટસની વિદ્યાર્થીની પટેલ પ્રથા ઉપેન્દ્રકુમારને એક દિવસ માટે શાળાના આચાર્ય તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં પ્રજાપતિ સાક્ષી અને માધ્યમિક વિભાગમાં પટેલ ક્રિમા એક દિવસ માટે સુપરવાઇઝર બન્યા હતા.
શાળાની શરૂઆત પ્રાર્થના સભાથી થઈ હતી. ત્યારબાદ નિયમિત સમયપત્રક મુજબ વર્ગોમાં શિક્ષણકાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. એક દિવસ માટે શિક્ષક બનેલા વિદ્યાર્થીઓએ અગાઉથી તૈયારી કરી રસપ્રદ અને આત્મવિશ્વાસભરી રીતે પોતાના સહાધ્યાયીઓને વિવિધ વિષયોનું શિક્ષણ આપ્યું હતું. આ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓને માત્ર ભણાવવાનો જ નહીં, પરંતુ વર્ગખંડમાં શિસ્ત જાળવવી, સમયનું આયોજન કરવું, વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધવો, વિષયને સરળતાથી સમજાવવો તથા શિક્ષક તરીકેની જવાબદારી નિભાવવાનો પ્રત્યક્ષ અનુભવ મળ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન એક દિવસ માટે ઉચ્ચતર માધ્યમિક વિભાગના સુપરવાઇઝર બનેલા પ્રજાપતિ સાક્ષીએ શિક્ષક દિન શા માટે ઉજવવામાં આવે છે તે અંગે સુંદર રજૂઆત કરી હતી. માધ્યમિક વિભાગના સુપરવાઇઝર પટેલ ક્રિમાએ પણ શિક્ષકની ભૂમિકા અને જવાબદારી અંગે પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું હતું. એક દિવસ માટે શિક્ષક બનેલા વિદ્યાર્થીઓએ પોતાના અનુભવો રજૂ કરતાં જણાવ્યું હતું કે શિક્ષક તરીકે વર્ગખંડમાં ઊભા રહીને દરેક વિદ્યાર્થીને સમજાવવો, વર્ગનું સંચાલન કરવું અને શિસ્ત જાળવવી એ ખૂબ જ જવાબદારીભર્યું કાર્ય છે, તેનો સાચો અનુભવ આ પ્રવૃત્તિથી થયો છે. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન એક દિવસ માટે શિક્ષક બનેલી વિદ્યાર્થીની નાયક સુહાનીએ કર્યું હતું.
બાળ-શિક્ષકો દ્વારા કરવામાં આવેલા શિક્ષણકાર્યનું મૂલ્યાંકન કરી વિવિધ ધોરણો અને પ્રવાહમાંથી શ્રેષ્ઠ બાળ-શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી. ધોરણ 9માં પ્રથમ પટેલ જાનવી સોહિલકુમાર તથા દ્વિતીય પ્રજાપતિ દિવ્યા સુરેશકુમાર અને પટણી અંજલી સુરેશભાઈ, ધોરણ 10માં પ્રથમ ઠાકોર પલક પ્રકાશભાઈ તથા દ્વિતીય પટેલ મેશ્વા ધર્મેન્દ્રભાઈ, આર્ટસમાં પ્રથમ રાવળ સાહિલ ચંદ્રકાંતભાઈ તથા દ્વિતીય ઠાકોર પ્રિયાંશીબેન, કોમર્સમાં પ્રથમ પટેલ યાત્રીબેન નિપુલકુમાર તથા દ્વિતીય નાયક સુહાનીબેન જયેન્દ્રકુમાર અને સાયન્સમાં પ્રથમ દેસાઈ સિદ્ધ લેંબાભાઈ તથા દ્વિતીય બારોટ ધાર્મિક દીપકભાઈ રહ્યા હતા.
સમાપન પ્રસંગે શાળાના આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે તમામ બાળ-શિક્ષકો તથા માર્ગદર્શક શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે શિક્ષક દિન માત્ર ઉજવણીનો દિવસ નથી, પરંતુ શિક્ષકના જ્ઞાન, સંસ્કાર, સમર્પણ અને વિદ્યાર્થીઓના ઘડતરમાં તેમના યોગદાનને સમજવાનો દિવસ છે. વિદ્યાર્થીઓ એક દિવસ માટે શિક્ષક બને છે તેનો હેતુ શિક્ષકની ભૂમિકા ભજવવા પૂરતો નથી, પરંતુ શિક્ષક તરીકેની જવાબદારી અને પડકારોને પ્રત્યક્ષ રીતે સમજવાનો છે. એક દિવસ માટે શિક્ષક બનવાથી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, નેતૃત્વ, સંવાદકૌશલ્ય, સમયનું આયોજન અને જવાબદારીની ભાવના વિકસે છે તેમજ શિક્ષક દરરોજ જે મહેનત કરે છે અને જે ધીરજપૂર્વક વિદ્યાર્થીઓનું ઘડતર કરે છે તેનો અનુભવ થાય છે. પરિણામે વિદ્યાર્થીઓમાં શિક્ષક પ્રત્યે આદરભાવ વધુ ગાઢ બને છે.
આ પ્રસંગે એક દિવસ માટે આચાર્ય બનેલી પટેલ પ્રથા માટે પણ આ દિવસ વિશેષ યાદગાર રહ્યો હતો. આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે પોતાની આચાર્યની ખુરશી પર એક દિવસ માટે આચાર્ય બનેલી વિદ્યાર્થીની પટેલ પ્રથાને બેસવાની તક આપી હતી. આ ક્ષણ તેના માટે જીવનભરની યાદગાર ક્ષણ બની રહી હતી.
સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન અને માર્ગદર્શન અરુણાબેન પટેલ, વિરમજી ઠાકોર, વર્ષાબેન પટેલ, વિપુલભાઈ પટેલ
અને રાજશ્રીબેન પંચાલ દ્વારા કરવામાં આવ્યું હતું. માર્ગદર્શક શિક્ષકોના પ્રોત્સાહન અને સહયોગથી 900માંથી 100 જેટલા વિદ્યાર્થીઓએ સ્વેચ્છાએ શિક્ષક દિનની આ પ્રવૃત્તિમાં જોડાઈ જવાબદારી સ્વીકારી હતી. અંતે એક દિવસ માટે આચાર્ય, સુપરવાઇઝર, શિક્ષક તથા સેવક બનેલા વિદ્યાર્થીઓનો શાળાના સ્ટાફ સાથે યાદગીરીરૂપે ગ્રુપ ફોટો લેવામાં આવ્યો હતો.
આ રીતે શેઠ એમ. એન. હાઈસ્કૂલ, પાટણ ખાતે શિક્ષક દિનની ઉજવણી વિદ્યાર્થીઓ માટે શિક્ષકની જવાબદારી સમજવા અને શિક્ષક પ્રત્યે આદરભાવ કેળવવાનો સુંદર શૈક્ષણિક અનુભવ બની રહી હતી. મહાન શિક્ષણવિદ્ અને ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતી નિમિત્તે દર વર્ષે 5 સપ્ટેમ્બરે ઉજવાતા શિક્ષક દિનની ઉજવણીનો આ કાર્યક્રમ તેમના શિક્ષણપ્રેમ અને શિક્ષક પ્રત્યેના આદરભાવને યાદ કરવાનો સુંદર અવસર પણ બની રહ્યો હતો.
