એનજીઇએસ કેમ્પસમાં વિશ્વ ઉદ્યોગ સાહસિકતા દિવસની તમામ સંસ્થાઓ દ્વારા ભવ્ય ઉજવણી

વિદ્યાર્થીઓના વિચારોને ઉદ્યોગમાં અને યુવાનોને રોજગારદાતામાં પરિવર્તિત કરવાનો સંકલ્પ” – ડૉ. જય ધ્રુવ
કેપિટલ મેસેજ
Capital message
પાટણ: પાટણ સ્થિત નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી કેમ્પસ ખાતે સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત કેમ્પસ સંચાલક ડૉ. જય ધ્રુવના માર્ગદર્શન હેઠળ વિશ્વ ઉદ્યોગસાહસિકતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓમાં ઉદ્યોગસાહસિકતા, નવીનતા, સર્જનાત્મકતા અને સ્વાવલંબનની ભાવના વિકસે તે હેતુથી કેમ્પસની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ હતી.

ટી.એસ.આર. કોમર્સ કોલેજમાં 250 અને ડૉ. ઇન્દુદયાલ મેશરી ઇન્સ્ટિટ્યૂટમાં 200 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓને ઉદ્યોગસાહસિકતા, સ્ટાર્ટઅપ, ટેક્નોલોજી અને સ્વરોજગાર અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. LNK બી.એડ. કોલેજની વિદ્યાર્થિનીઓ દ્વારા પોસ્ટર પ્રેઝન્ટેશન, પોસ્ટર મેકિંગ, રંગોળી અને વ્યાખ્યાન જેવી સર્જનાત્મક પ્રવૃત્તિઓ યોજાઈ હતી. AJ ગુજરાતી માધ્યમ શાળાના બાળકોએ નાના ઉદ્યોગસાહસિક વિચારો રજૂ કર્યા, જ્યારે BIPS સીબીએસઈ શાળામાં 48 ટીમોએ પોતાના નવીન વિચારો પર પ્રેઝન્ટેશન રજૂ કરી પોસ્ટર પ્રેઝન્ટેશન પણ કર્યું હતું. M N સાયન્સ કોલેજમાં 250 જેટલા વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં સફળ ઉદ્યોગસાહસિકોને આમંત્રિત કરી ઉદ્યોગસાહસિકતા પ્રોત્સાહન કાર્યક્રમ યોજાયો, જેમાં વક્તાઓએ પોતાના અનુભવો અને સફળતાની સફર દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા. તેમજ પી.પી.જી. એક્સપેરિમેન્ટલ સ્કૂલમાં ઉદ્યોગસાહસિકતા પ્રોત્સાહન સંમેલન યોજાયું, જેમાં વિદ્યાર્થીઓએ વક્તાઓને સાંભળવાની સાથે પોતાના ઇનોવેટિવ આઇડિયાઝ રજૂ કર્યા.પી.કે. કોટાવાલા આર્ટ્સ કોલેજમાં 350 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

આ સમગ્ર આયોજન દ્વારા “વિચારથી નવીનતા, નવીનતાથી ઉદ્યોગ અને ઉદ્યોગથી રોજગાર સર્જન”નો સંદેશ આપવામાં આવ્યો. વિદ્યાર્થીઓમાં નોકરી શોધનાર નહીં, પરંતુ રોજગાર સર્જનાર બનવાની માનસિકતા વિકસે અને સ્વાવલંબી ભારતના નિર્માણમાં યુવાનોની સક્રિય ભૂમિકા બને તે દિશામાં આ ઉજવણી મહત્વપૂર્ણ બની રહી.આ સમગ્ર અભિયાનમાં એનજીએસની વિવિધ કોલેજોના આચાર્યઓ, અધ્યાપકો તથા શિક્ષકોએ પણ મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ વિદ્યાર્થીઓને ઉદ્યોગસાહસિકતા, નવીનતા અને સ્વાવલંબન માટે પ્રેરિત કર્યા હતા. શિક્ષકોના માર્ગદર્શન અને પ્રોત્સાહનથી વિદ્યાર્થીઓએ પોતાના વિચારોને રજૂ કરવાની સાથે તેને વાસ્તવિક જીવનમાં સાકાર કરવાની દિશામાં આગળ વધવાનો સંકલ્પ કર્યો.
