સંસ્કાર એકેડેમી, પાટણ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

કેપિટલ મેસેજ
Capital message
પાટણ: પાટણ શહેરમાં આવેલી સંસ્કાર એકેડેમી ખાતે તા. 9 ઓગસ્ટ, રવિવારના રોજ પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
સંસ્કાર એકેડેમી દ્વારા વિદ્યાર્થીઓને ઉત્તમ સંસાધનો તેમજ અનુભવી અને ક્વોલિફાઇડ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ પરંપરાગત શિક્ષણ પદ્ધતિથી આગળ વધીને વિશિષ્ટ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવામાં આવે છે. શિક્ષણની સાથે વિદ્યાર્થીઓમાં કુટુંબ, સમાજ અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અને સંસ્કારોનું સિંચન થાય તે માટે પણ સંસ્થા દ્વારા વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે.

આ વૃક્ષારોપણ કાર્યક્રમ દરમિયાન “એક પેડ સંસ્કાર એકેડેમી કે છાત્રો કે નામ”ના સંકલ્પને સાકાર કરતાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક વૃક્ષારોપણ કર્યું હતું. વિદ્યાર્થીઓએ માત્ર વૃક્ષો વાવ્યા જ નહીં, પરંતુ દરેક વૃક્ષની નિયમિત સંભાળ અને ઉછેર કરવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી. આ પ્રસંગે પર્યાવરણને હરિયાળું અને સમૃદ્ધ બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં સંસ્થાના સંસ્થાપક બળદેવભાઈ જોશી, સંસ્થાના તમામ સ્ટાફ સભ્યો તેમજ વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા. સૌના સહયોગ અને ઉત્સાહથી વૃક્ષારોપણ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
