પાટણ સાંસદ ભરતસિંહ ડાભીના અધ્યક્ષસ્થાને દિશા કમિટી બેઠક યોજાઈ

વિવિધ વિકાસલક્ષી યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરી સમયબદ્ધ અમલ માટે સૂચનાઓ અપાઈ
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
પાટણ સાંસદ ભરતસિંહ ડાભીના અધ્યક્ષસ્થાને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, પાટણ દ્વારા જિલ્લા સેવાસદન, પાટણ ખાતે ડીસ્ટ્રીક્ટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનીટરીંગ (દિશા) કમિટીની બેઠક યોજાઈ હતી.
બેઠકમાં કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓની પ્રગતિની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, પાણી પુરવઠા વિભાગ, આઈ.સી.ડી.એસ., માર્ગ અને મકાન વિભાગ, શિક્ષણ વિભાગ, ખેતીવાડી વિભાગ, મધ્યાહન ભોજન યોજના, પુરવઠા વિભાગ, વન વિભાગ, નગરપાલિકા વિભાગ તેમજ ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL) સહિતના વિભાગોની કામગીરી અંગે વિભાગવાર ચર્ચા કરવામાં આવી હતી.

વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન વિવિધ યોજનાઓ હેઠળ થયેલી કામગીરી, લાભાર્થીઓને મળેલ લાભ, ભૌતિક તથા નાણાકીય પ્રગતિ તેમજ બાકી રહેલા પ્રશ્નોની બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી. સાંસદએ વિવિધ વિભાગોના અધિકારીઓને વિકાસ કાર્યો સમયમર્યાદામાં પૂર્ણ કરવા, લાભાર્થી કેન્દ્રિત કામગીરીને પ્રાથમિકતા આપવા તેમજ સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે સુચારુ આયોજન સાથે કામગીરી કરવા સૂચના આપી હતી.
બેઠક દરમિયાન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની વિવિધ યોજનાઓ, મનરેગા, માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય તથા પંચાયત), ઈ-ગ્રામ યોજના, શિક્ષણ વિભાગ, ખેતીવાડી વિભાગ, નગરપાલિકાઓની કામગીરી, પાણી પુરવઠા યોજના, રાષ્ટ્રીય ગ્રામિણ પેયજળ યોજના તેમજ નેશનલ લેન્ડ રેકોર્ડ સંબંધિત મુદ્દાઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.
ઉક્ત બેઠકમાં પાટણ ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, રાધનપુર ધારાસભ્ય લવિંગજી સોલંકી, જિલ્લા વિકાસ અધિકારી સી. એલ. પટેલ, નિવાસી અધિક કલેક્ટર હિરેન ચૌહાણ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ, પદાધિકારીઓ તથા સંબંધિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
