રાધનપુરમાં પેટ્રોલ-ડીઝલ કટોકટી: Jio પંપ પર દોઢ કિમી લાંબી વાહનોની કતાર

રાધનપુરમાં પેટ્રોલ-ડીઝલની અછતથી હાહાકાર: Jio પંપ પર દોઢ કિલોમીટર સુંધી વાહનોની લાંબી કતારો લાગી
પેટ્રોલ -ડીઝલના ભાવમાં ભડકો, ભાવવધારાથી લોકોમાં રોષ
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
રાધનપુર શહેર અને આસપાસના વિસ્તારોમાં પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાતા સામાન્ય જનજીવન પર તેની સીધી અસર જોવા મળી રહી છે. શહેરના Jio પેટ્રોલ પંપ પર ઇંધણ ભરાવવા માટે વહેલી સવારથી જ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. સ્થિતિ એટલી ગંભીર બની હતી કે હાઇવે સુધી અંદાજે દોઢ કિલોમીટર લાંબી લાઇન જોવા મળી હતી. બાઈક, કાર, ટેમ્પો, ટ્રક સહિતના વિવિધ વાહનો ઇંધણ માટે કલાકો સુધી રાહ જોતા નજરે પડ્યા હતા.
ભારે ગરમી વચ્ચે લોકોને લાંબા સમય સુધી ઉભા રહેવાની ફરજ પડતા ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પેટ્રોલ પંપ પર વધતી ભીડને કારણે હાઇવે પર ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ હતી અને વાહનવ્યવહાર ધીમો પડ્યો હતો. કેટલાક વાહનચાલકોએ જણાવ્યું હતું કે શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ઇંધણ પુરવઠો અનિયમિત બનતા મુશ્કેલી વધી રહી છે.

બીજી તરફ પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવોએ પણ સામાન્ય જનતાની ચિંતા વધારી દીધી છે. પેટ્રોલના ભાવમાં અંદાજે ૩ રૂપિયાનો વધારો થતાં રોજિંદા જીવન ઉપર સીધી અસર જોવા મળી રહી છે. પરિવહન ખર્ચ વધતા બજારમાં મોંઘવારીનો વધુ એક માર સામાન્ય લોકો ઉપર પડ્યો હોવાનું લોકો જણાવી રહ્યા છે. રોજ કમાઈને જીવન ગુજારતા વર્ગ માટે હાલની સ્થિતિ વધુ કપરા સમય જેવી બની રહી છે.
સ્થાનિકોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે જો ઇંધણનો પુરતો જથ્થો સમયસર ઉપલબ્ધ નહીં થાય તો આગામી દિવસોમાં સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. લોકો દ્વારા તંત્ર સમક્ષ પૂરતો ઇંધણ પુરવઠો સુનિશ્ચિત કરવા અને વધતી સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા માંગ ઉઠી રહી છે.
રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર, પાટણ
