અતિશય ગરમીને લઈ શ્રમિકોની સુરક્ષા માટે માર્ગદર્શિકા જાહેર
બપોરે ૧૨ થી ૪ દરમિયાન ખુલ્લામાં સીધા સૂર્યપ્રકાશથી બચવા સૂચના
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
સરકારી શ્રમ અધિકારી, પાટણ દ્વારા આગામી એપ્રિલથી જૂન માસ દરમિયાન ભારતીય હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાયેલ હીટવેવની આગાહીને ધ્યાનમાં રાખી વિવિધ ઉદ્યોગો, બાંધકામ સાઇટ્સ, મનરેગા વર્ક, ઈંટભઠ્ઠા સહિત અન્ય સ્થળોએ કામ કરતા શ્રમિકોના આરોગ્ય અને સુરક્ષા માટે જરૂરી તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.
જાહેર કરાયેલી માર્ગદર્શિકા મુજબ કામદારો માટે કામના કલાકોમાં સમયાનુસાર ફેરફાર કરવાની, પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા રાખવાની તેમજ ઠંડક અને આરામ માટે યોગ્ય સુવિધાઓ ઉભી કરવાની સલાહ આપવામાં આવી છે. વધુ ગરમીમાં કાર્યરત સ્થળોએ ઈમરજન્સી આઈસ પેક, ગરમીજન્ય બીમારીઓ સામેની પ્રાથમિક સારવારની સામગ્રી તથા જરૂરી આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ રાખવા પણ જણાવાયું છે.
તદુપરાંત, કામદારોને ગરમીના કારણે થાક કે તબિયત બગડવાના લક્ષણો જણાય તો કામની ગતિ ધીમી રાખવી, દિવસના સૌથી ઠંડા સમયમાં વધુ કઠિન કામનું આયોજન કરવું તથા અત્યંત ગરમ તાપમાન દરમિયાન આરામનો સમય વધારવા સૂચવાયું છે. જ્યાં શક્ય ન હોય ત્યાં બે વ્યક્તિઓની ટીમ બનાવી કાર્ય કરવાની સૂચના આપવામાં આવી છે.
શ્રમિકોને પૂરતું ઠંડુ પાણી અને ઇલેક્ટ્રોલાઈટ સપ્લિમેન્ટ્સ સરળતાથી ઉપલબ્ધ કરાવવા તેમજ ગરમીથી થતી બિમારીઓ અને તેના નિવારણ અંગે જાગૃતિ લાવવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.
સરકારી શ્રમ અધિકારી દ્વારા ખાસ કરીને બપોરે ૧૨:૦૦ થી ૪:૦૦ કલાક દરમિયાન ખુલ્લામાં સીધા સૂર્યપ્રકાશની અસર હેઠળ કામ કરતા શ્રમિકોને શક્ય હોય ત્યાં સુધી સુરક્ષિત રીતે કામગિરી આયોજન કરવાની અપીલ કરવામાં આવી છે, જેથી હીટવેવ દરમિયાન શ્રમિકોના આરોગ્યનું સંરક્ષણ થઈ શકે.
