4 વર્ષ વિત્યા છતાં એક ઈંટ પણ ન મુકાતા 22 ગામના ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે

ડભોઇ તાલુકાના વઢવાણાની કેનાલો માટે મંજૂર થયેલા ₹4 કરોડ ક્યાં? 4 વર્ષ વિત્યા છતાં એક ઈંટ પણ ન મુકાતા 22 ગામના ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
ડભોઇ તાલુકાના વઢવાણા વિસ્તારના ખેડૂતો માટે જીવાદોરી સમાન ગણાતી કેનાલોની હાલત અત્યંત જર્જરિત બની છે. ચોંકાવનારી વિગત એ છે કે, ચાર વર્ષ પહેલાં આ કેનાલોના સર્વે અને નવીનીકરણ માટે અંદાજે ₹4 કરોડ જેટલી માતબર રકમ મંજૂર કરવામાં આવી હોવા છતાં, આજદિન સુધી સ્થળ પર એક ઈંટ પણ મુકવામાં આવી નથી. તંત્રની આ ઉદાસીનતાને કારણે 22 ગામના ખેડૂતો સિંચાઈના પાણી માટે વલખાં મારી રહ્યા છે.
સર્વે થયો માપણી થઈ, પણ કામ ક્યાં?
વઢવાણા તળાવમાંથી નીકળતી પાંચ અલગ-અલગ ઝોનની કેનાલો મારફતે આસપાસના 22 ગામોને સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે છે ચાર વર્ષ અગાઉ તંત્ર દ્વારા આ પાંચેય કેનાલોની સંપૂર્ણ માપણી અને સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. આ નવી કેનાલો બનાવવા માટે કરોડોનું બજેટ પણ ફાળવાયું હતું, પરંતુ આજ સુધી કામ કાગળ પર જ રહી ગયું છે કેનાલોની જર્જરિત હાલતથી ખેડૂતો પરેશાન હાલમાં જે કેનાલો અસ્તિત્વમાં છે તેની હાલત પણ દયનીય છે.

ગંભીર લીકેજ: અનેક જગ્યાએ કેનાલોમાં ભંગાણ અને લીકેજ હોવાથી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે તૂટેલી પાળ રિપેરિંગના અભાવે કેનાલો તૂટી ગઈ છે, જેના કારણે છેવાડાના ખેડૂતો સુધી પાણી પહોંચતું નથી.ચોમાસામાં હાલાકી: રિપેરિંગ ન થવાને કારણે દર વર્ષે ચોમાસામાં પાણી ખેતરોમાં ફરી વળે છે, જેનાથી પાકને ભારે નુકસાન થાય છે.
ખેડૂતોની વેધક સવાલ: ક્યાં ગયા 4 કરોડ રૂપિયા ખેડૂતોમાં અત્યારે એક જ સવાલ ચર્ચાઈ રહ્યો છે કે જો ચાર વર્ષ પહેલાં પૈસા મંજૂર થઈ ગયા હતા અને સર્વે પણ થઈ ગયો હતો, તો અત્યાર સુધી કામ કેમ શરૂ કરવામાં આવ્યું નથી શું આ રકમ કાગળ પર જ વપરાઈ ગઈ કે પછી તંત્રને ખેડૂતોની હાલાકીની કોઈ પડી જ નથી વહેલી તકે કામ શરૂ કરવાની માંગ અત્યારે ઉનાળાની સીઝન ચાલી રહી છે અને ખેતી માટે પાણીની તાતી જરૂરિયાત છે. જો આગામી ચોમાસા પહેલા રિપેરિંગ અથવા નવી કેનાલનું કામ શરૂ કરવામાં નહીં આવે, તો ખેડૂતોને ફરી એકવાર મોટા આર્થિક નુકસાનનો સામનો કરવો પડી શકે છે. સ્થાનિક ખેડૂતોની માંગ છે કે તંત્ર જાગે અને મંજૂર થયેલા નાણાંનો સદુપયોગ કરી સત્વરે કેનાલોનું નિર્માણ કાર્ય પૂર્ણ કરે.
રિપોર્ટ : ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
